Gandhinagar: રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર કેવુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદ વરસવા માટે મહાસાગરમાં સાનુકૂળ વાતાવરણ છે. હાઈપ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ થતો ન હતો. મહાસાગરમાં ભારે પવનના કારણે ચોમાસાની સિસ્ટમ ખોરવાઈ હતી. 12 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 10 સપ્ટેમ્બર પછી વરસાદની સિસ્ટમ થોડી મંદ રહેવાની શક્યતા છે. આહવા, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા અને ભરૂચમાં વરસાદની શક્યતા છે.
આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. વડોદરા, બોડેલી, કરજણ અને આણંદમાં સારો વરસાદ રહેશે. થરાદ અને પાલનપુરમાં પણ વરસાદી સિસ્ટમની અસર વર્તાશે. હિંમતનગર, મેઘરજ, મોડાસા અને બાયડમાં પણ સારો વરસાદ રહેશે. વરસાદની અસર મધ્ય ગુજરાત પર વધુ વર્તાઈ શકે છે. પંચમહાલ, દાહોદ અને ગોધરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ વરસશે, કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આથી નવી બની રહેલી સિસ્ટમના કારણે 16 સપ્ટેમ્બરથી વરસાદ પડવાની સંભાવના છે. 20થી 22 સપ્ટેમ્બર બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે. ઓક્ટોબર મહિનામાં ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળની ખાડી અને ઉપસાગર નવેમ્બર ડિસેમ્બરમાં સુધી સક્રિય રહેશે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો