Gujarati Video: કોરોના કેસ વધતા વડોદરાના મેયર નિલેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલની લીધી મુલાકાત, નિરીક્ષણ કરી H3N2ના કેસને લઈને મેળવી માહિતી

|

Mar 27, 2023 | 7:01 PM

Vadodara: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે વડોદરાના મેયર નિલેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યુ હતુ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તબીબો સાથે બેઠક કરી કોરોના અને H3N2ના કેસને લઈને માહિતી મેળવી હતી.

છેલ્લા 15 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વડોદરામાં પણ રોજેરોજ 15 થી 20 નવા કેસ આવી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સામે હોસ્પિટલમાં કેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે તેને લઇને વડોદરાના મેયર નિલેશ રાઠોડે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નિલેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતુ. GMESR હોસ્પિટલના ડીન અને તબીબો સાથે બેઠક કરી હતી અને કોરોના તેમજ H3N2ના કેસને લઇને માહિતી મેળવી હતી.

અત્યારે બેવડી ઋતુના કારણે વાઇરલ કેસ વધી રહ્યા છે અને તેના કારણે જ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોવિડ નિષ્ણાત અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે વધતા કેસથી ગભરાવાની જરૂર નથી. માત્ર થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

આપને જણાવી દઈએ રાજ્યમાં બેવડી ઋતુના કારણે સ્વાઈન ફ્લૂના કેસ પણ વધ્યા છે.  રાજ્યમાં પાછલા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના 74 દર્દી નોંધાયા છે. તો એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પણ થયું. ગુજરાતમાં 6 વર્ષમાં સ્વાઈન ફ્લૂના 9344 કેસ સામે આવ્યા છે. જ્યારે 324 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. સ્વાઈન ફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. તેલંગાણામાં સૌથી વધારે 545 સ્વાઈન ફ્લૂના કેસ મળ્યાં.

આ તરફ કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બેવડી આફત સર્જાઈ છે. બેવડી ઋતુના કારણે તાવના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. આ પૂર્વે 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વાયરલ ઈન્ફેક્શનના 1419 કેસ નોંધાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video