કુદરતની માર સામે ફરી એકવાર જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે. કેસર કેરી માટે જાણીતા એવા ગીર સોમનાથ જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર ગઢડા, ઉના અને તાલાલામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ વર્ષે ભારે માત્રામાં આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવ્યું હતું.
ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.
જેમ સૌરાષ્ટ્રની કેરીને માવઠાંનો માર સહન કરવો પડ્યો છે. તે રીતે દક્ષિણ ગુજરાતમાં પણ તેમજ દેશભરમાં વખણાતી ગણદેવીની કેસર કેરીનો સ્વાદ પણ વાતાવરણને કારણે ફિક્કો પડી શકે છે. જ્યારે આંબે મોર આવ્યા, તે જ સમયે વરસાદ આવ્યો અને કેરીના મોરનું ધોવાણ થયું હતું. કેરીના પાકને કમોસમી ઝાપટાએ બરબાદ કરી નાખ્યો હતો. આખું વર્ષ કેસરના ફળ જોવા રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
છેલ્લા ઘણા વર્ષોથી માવઠાંને કારણે કેસર કેરીને નુકસાન થઈ રહ્યું છે. પરિણામે કેરીને બજાર પહોંચવામાં પણ ઘણા દિવસો લાગી જાય છે. પાક ઘટે છે, જેથી કેરીની કિંમત પણ વધી જાય છે. જો કે, ખૂબ મહેનત બાદ પણ ખેડૂતને લાભ થાય તેવું કશું બચતું નથી. હવે ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠાં છે.
કમોસમી વરસાદથી ડુંગળી, તલ, જીરું, ઘઉં, ચણા, બાજરી, કેસર કેરીના પાકને ભારે નુકસાન થવાનો અંદાજ છે.આ સાથે કેસર કેરી માટે જાણીતા તાલાલા ગીરમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતા જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે.