સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાની યુનિવર્સિટી મટી જાણે વિવાદોની યુનિવર્સિટી બની ગઈ છે. તેમાં એક બાદ એક વિવાદ રોજ સામે આવતા રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલ મળતા ફરી સવાલોના ઘેરામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો જોવા મળી છે. કુલપતિ ગિરીશ ભીમાણીના કાર્યાલયથી માત્ર 100 મીટરના અંતરે જ દારૂની બોટલ જોવા મળતા સત્તાધીશો દોડતા થયા છે.
ધન્વંતરી ઔષધીય ઉદ્યાનમાં દારૂની બોટલો જોવા મળી છે. વિદ્યાના ધામમાં દૂષણ જોવા મળતા NSUI પણ આક્રમક જોવા મળી રહ્યું છે. NSUIના નેતાએ સત્તાધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું કે યુનિવર્સિટીને શિક્ષાનું ધામ નહીં પણ રાજકીય અખાડો બનાવી દીધો છે. આ સાથે વિપક્ષે અનેક સવાલ પણ ઉઠાવ્યા છે. શું ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ? શું રાત્રી દરમિયાન અસમાજિક તત્વો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કરે છે ઉપયોગ ? આ સહિતના અનેક સવાલો વિપક્ષ ઉઠાવી રહ્યું છે.
પેપર લીક પ્રકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવતા યુનિવર્સિટીના સત્તાધીશો પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે NAAC દ્વારા A ગ્રેડ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં છે.
9 મહિના પહેલા જ યુનિવર્સિટીના ટોયલેટમાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે વધુ એકવાર દારૂની બોટલો મળતા રાત્રી દરમિયાન મહેફિલ થતી હોવાની શંકા વધુ પ્રબળ બની છે.