Gujarati Video: જુનાગઢમાં વધ્યો રખડતા શ્વાનનો આતંક, વડાલ નજીક વાડી વિસ્તારમાં રમતા બે બાળકો પર 4થી5 શ્વાને કર્યો જીવલેણ હુમલો

|

May 25, 2023 | 4:10 PM

Junagadh: જુનાગઢમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. વડાલ નજીક વાડી વિસ્તારમાં બે બાળકો પર શ્વાને જીવલેણ હુમલો કર્યો. બંને માસૂમ રમી રહ્યા હતા ત્યારે અચાનક ચારથી પાંચ શ્વાન બાળકો પર તૂટી પડ્યા જેમા બાળકોને ગંભીર ઈજા પહોંચી છે.

જુનાગઢ શહેરમાં રખડતા ઢોર બાદ વધુ એક સંકટ ઉભુ થયું છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે અને આ ડરનું કારણ છે રખડતા શ્વાન. શ્વાન નામ પડતા જ ધબકારા વધી જાય. રખડતા શ્વાન બાળકો, વૃદ્ધોને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે શહેરમાં શ્વાન હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. શ્વાન હુમલાની બે અલગ અલગ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વડાલ નજીક વાડી વિસ્તારમાં બે બાળકો પર શ્વાને જીવલેણ હુમલો કર્યો. વાડી વિસ્તારમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતા ત્યારે ચારથી પાંચ શ્વાન આવ્યાં હતા અને બાળકો પર તૂટી પડ્યાં હતા.

બાળકો પર શ્વાનોએ જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા. જો કે આસપાસના સ્થાનિકો આવી જતા શ્વાન ભાગ્યાં હતા. શ્વાન હુમલામાં બંને બાળકોને ગંભીર પ્રકારની ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્ત બાળકો હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. ત્યારે વધતી શ્વાન હુમલાની ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે.

આ પણ વાંચો: Surat: વરરાજાને રખડતા શ્વાને ભર્યુ બચકું, પીઠી ચોળેલી હાલતમાં રસી લેવા હોસ્પિટલ પહોંચ્યા, જુઓ Video

બીજી તરફ જોશીપરા વિસ્તારમાં પણ એક મહિલાને રખડતા શ્વાને શિકાર બનાવી. કામ અર્થે ઘરની બહાર નીકળેલી મહિલા પર શ્વાન તૂટી પડ્યાં અને મહિલાને હાથના ભાગે બચકાં ભર્યા. શ્વાન હુમલામાં મહિલાને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. મહિલાનું કહેવું છે કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઇ ઉકેલ લવાતો નથી.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:27 pm, Sat, 20 May 23

Next Video