શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામના રીંગણ પકવતા ખેડૂતને કડવો અનુભવ થયો હતો. ખેડૂતને 10 મણ રીંગણના ભાવ માત્ર 500 રૂપિયા મળ્યા હતા. જેમાં 500 રૂપિયામાંથી પણ 50 રૂપિયા કમિશનમાં કપાયા.
આ રીંગણને વાડીમાંથી બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ જ 400 રૂપિયા થયો છે. માત્ર અઢી રૂપિયે કિલો રીંગણ વેચાતા રીંગણની ખેતી ખોટનો સોદો સાબિત થઈ છે. દવા ,બિયારણ અને પિયતનો ખર્ચ માથે પડતા ખેડૂત લાચાર બન્યો છે. એક તરફ માવઠું અને બીજી તરફ ખેતપેદાશના ભાવ ઘટતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. બજારમાં 25 રૂપિયે કિલો મળતા રિંગણની સામે ખેડૂતને મળી રહ્યા છે માત્ર અઢી રૂપિયા મળી રહ્યા છે. ત્યારે હવે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.
રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાન અંગે સરવે શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકા પૈકી જસદણ અને કોટડાસાંગાણીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને આ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે.
વહેલી સવારથી જ ખેતીવાડી વિભાગની ટીમ જસદણ તાલુકાની મુલાકાતે હતી. જેમાં 14 જેટલા ગામડાંઓમાં ચણા અને ઘઉંના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ જ રીતે 14 જેટલી ટીમો દ્વારા જિલ્લામાં જે સ્થળોએ નુકસાન થયું છે ત્યાં સરવે હાથ ધરવામાં આવશે.હાલમાં શિયાળું સિઝન પુરી થવામાં હતી જેથી મોટાભાગના ખેડૂતોએ પોતાનો ઉભો પાક લણી લીધો હતો જેથી નુકસાની ઓછી થઇ છે.