તાપીના વ્યારામાં વેરા વધારાના વિરોધમાં લોકોએ બંધનું એલાન આપ્યુ છે. આ બંધને નગરજનો દ્વારા જબરો પ્રતિસાદ મળ્યો છે. લોકોએ સ્વયંભુ દુકાનો બંધ રાખી બંધનું સમર્થન કર્યુ છે. શાસકો અને ભાજપના આગેવાનોએ દુકાનો ખોલાવવા નીકળતા ઘર્ષણ સર્જાયુ હતુ. વ્યારા નગરપાલિકાએ વેરા વધારાનો નિર્ણય કરતા વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વેરા વધારા સામે લોકો રોષે ભરાયા હતા અને નગરપાલિકા કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે દસ દિવસ પહેલા વેરા વધારા અંગે પાલિકા પ્રમુખ પાસે જવાબ માગવામાં આવ્યો હતો. જેની સામે નગરપાલિકાના પ્રમુખે 3 દિવસમાં જવાબ આપવાનું કહ્યું હતું. જો કે હજુ સુધી જવાબ ન આપતા લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો. એટલું જ નહીં નગરપાલિકાના સત્તાધિશોએ વ્યારા વિસ્તાર બહાર ગ્રાન્ટનો દુરુપયોગ કરી કામો કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ જો આગામી 24 કલાકમાં વેરા વધારાનો નિર્ણય પરત લેવામાં નહીં આવે તો વ્યારા બંધની ચીમકી આપી હતી અને આજે બંધ પાળ્યો છે.
આ અગાઉ પણ તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભારે હોબાળો થયો હતો. વેરા વધારા સહિત ભ્રષ્ટચાર મુદ્દે નગરના અગ્રણીઓએ નગરપાલિકા ખાતે જઈને હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સામાન્ય સભા થોડી જ મિનિટોમાં પૂર્ણ કરી દેવી પડી હતી. હોબાળો કરી રહેલા નગરજનો અને અગ્રણીઓ સામાન્ય સભામાં ધૂસી જઈને પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:22 pm, Sat, 15 April 23