રાજ્યમાં રખડતા ઢોર અને શ્વાન પછી હવે મધમાખીઓનો પણ ક્યાક ક્યાંક આતંક જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના લખતરની સીમ વિસ્તારમાં મધમાખીઓએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. પશુ ચરાવતા માલધારીઓ પર મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરતા, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મધમાખીઓએ 4 માલધારી અને તેમના પશુઓને સેંકડો ડંખ માર્યા છે. મધમાખીએ ડંખ માર્યા બાદ 4 લોકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મધમાખીએ ડંખ માર્યા બાદ પશુઓને પણ સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો : PGVCL કૌભાંડ: સુરેન્દ્રનગરમાં વીજ ચેકિંગ હાથ ધરાતા ભૂમાફિયાઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો પર્દાફાશ
રખડતા ઢોર બાદ હવે રાજ્યના અનેક નાના મોટા શહેર અને નગરોમાં રખડતા શ્વાનનો આતંક વર્તાઈ રહ્યો છે. અનેક શહેરો અને નગરોમાં શ્વાને બચકા ભર્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ભરૂચની સુપર સોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ કામદારોની વસાહતમાં શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા ગભરાટ ફેલાયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામે શ્વાન હાડકાયું થતા ગામમાં ભારે દહેશત મચાવી હતી. બાળકો તેમજ વાહનો ઉપર જતા લોકોની પાછળ શ્વાન દોડી બચકાં ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મગણાદ ગામ પાસે આવેલ સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ મજૂરોની વસાહતમાં આ હડકાયું શ્વાન ઘુસી જતાં પાંચ થી વધુ નાના ભૂલકાઓ શ્વાનના કરડવાનો શિકાર બન્યા હતા. આ અગાઉ વડોદરામાં નિઝામપુરામાં રખડતા શ્વાને એક વૃદ્ધા પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નિઝામપુરાના અમરપાર્કમાં રહેતા વૃદ્ધા અમદાવાદમાં પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઇને વડોદરા ઘરે પરત ફર્યા હતા. તે ચાલતા ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન જ રખડતા શ્વાને તેમના પર હુમલો કર્યો હતો.
Published On - 11:43 am, Sun, 12 February 23