Gujarati Video : દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા, વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

|

Mar 31, 2023 | 11:41 PM

ખાતર, વીજળીના દર અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બનતી જઈ રહી છે, ખેડૂતોને ડાંગરના ભાવ મળતા નથી ત્યારે સુગર મિલોએ જાહેર કરેલા શેરડીના ટન દીઠ ભાવ ખેડૂતો માટે થોડા અંશે ખુશીના સમાચાર લઈને આવ્યા છે. શેરડીના પિલાણ ની પ્રક્રિયા બાદ આજે શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે શુક્રવારનો દિવસ ખૂબ મહત્વનો હતો. ખેડૂત સભાસદોની ભારે ઉત્સુકતા વચ્ચે આજે સુગર સંચાલકો દ્વારા ગત સિઝનમાં આવેલ શેરડીના ભાવ નક્કી કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મિટીંગ મળી હતી. જેમાં શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ સૌથી વધુ ગણદેવી સુગરે શેરડીના ટન દીઠ રૂ.3475 ભાવ જાહેર કર્યા છે. જ્યારે બારડોલી સુગરે 3353, સાયણ સુગરે 3206, ચલથાણ સુગરે 3186, મહુવા સુગરે 3125, મઢી સુગરે 3025 અને કામરેજ સુગરે 3151 રૂપિયા જાહેર કર્યા છે. આમ તો દર વર્ષે 2500 થી 2800 ની આજુબાજુ જાહેર થતા ભાવમાં આ વખતે 200 થી 400 રૂપિયા વધારે જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

શેરડી પકવતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી

ખાતર, વીજળીના દર અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બનતી જઈ રહી છે, ખેડૂતોને ડાંગરના ભાવ મળતા નથી ત્યારે સુગર મિલોએ જાહેર કરેલા શેરડીના ટન દીઠ ભાવ ખેડૂતો માટે થોડા અંશે ખુશીના સમાચાર લઈને આવ્યા છે. સરેરાશ ત્રણ થી સાડા ત્રણ હજાર જેટલા ભાવો જાહેર કરતા શેરડી પકવતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

આજે શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર કરવામાં આવ્યા છે

દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડી આધારિત છે. અહીંની સુગર ફેકટરીઓ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. શેરડી પકવતા ખેડૂતો પોતાની શેરડી સુગર ફેકટરીઓમાં નાખતા હોય છે. જેના ભાવ સુગર સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે. શેરડીના પિલાણ ની પ્રક્રિયા બાદ આજે શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષે સાયણ સુગરે 3081 રૂ.ભાવ જાહેર કર્યો હતો. જેમાં 175 રૂપિયા વધારીને આ વખતે 3206 રૂપિયા ભાવ પાડ્યા છે.

સુગરમિલોને સદ્ધરતા પ્રાપ્ત થશે એ વાત ચોક્કસ છે

આમ તો ગુજરાતનો ખાંડ ઉદ્યોગ સંઘ છેલ્લા ઘણા સમયથી પડતર ખાંડ અને બળેલી શેરડી જેવા અનેક પ્રશ્નોને લઇ ઝઝૂમી રહ્યો છે પરંતુ જે રીતે સુગર મિલોએ શેરડીના ટન દીઠ જે ભાવો જાહેર કર્યા છે એ ભાવથી ખેડૂતોને આંશિક રાહત ચોક્કસથી થઇ છે. જોકે, શેરડીના પોષણક્ષમ ભાવને કારણે હવે ખેડૂતોની શેરડીના પાક પ્રત્યે રુચિ વધશે, જેનાથી ખેડૂતોની સાથે સુગરમિલો ને સદ્ધરતા પ્રાપ્ત થશે એ વાત ચોક્કસ છે.

આ પણ વાંચો : Gujarati Video: તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 500 રૂપિયા, આગામી સમયમાં બંપર આવક થવાની વેપારીઓને આશા, જુઓ Video  

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video