ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. ઠગ કિરણના કારનામાથી શ્રીનગર કોર્ટના જજ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. શ્રીનગર કોર્ટમાં ઠગ કિરણ પટેલ મુદ્દે સુનાવણી હાજર થઇ હતી અને કિરણની કરમ કુંડળી પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
કિરણના કારનામાઓનું લિસ્ટ જોઇને શ્રીનગર કોર્ટના જજની આંખો પણ ફાટી ગઇ હતી. કોર્ટના જજે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ કર્યો હતા. “સિક્યોરિટીની મારી અરજી હજુ પેન્ડિંગ છે, તો ઠગ કિરણને Z+ સુરક્ષા કેવી રીતે મળી ગઇ” તે વિચારવા જેવી બાબત છે. કોર્ટને કિરણના કારનામાઓ પણ એક મોટા મેળાપીપડાની ગંધ આવતા કેસનો ચુકાદો ગુરૂવાર સુધી અનામત રાખવામાં આવ્યો છે.
નકલી IAS અને ઠગબાજ કિરણ પટેલ અત્યારે જેલના સળીયા પાછળ છે. પરંતુ તેની કરતૂતોની ગૂંજ પૂરા દેશમાં સાંભળવા મળી રહી છે. જેમ જેમ તપાસ એજન્સીઓની તપાસ આગળ વધી રહી છે. તેમ તેમ નવા નવા કાંડ સામે આવી રહ્યા છે. સૂત્રોના મતે કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવામાં આવી શકે છે.
પોલીસ વધુ તપાસ માટે કિરણના મોબાઇલ અને વિઝીટીંગ કાર્ડ FSLમાં મોકલવામાં આવશે. પોલીસ હાલ એ તપાસમાં લાગી છે કે કિરણને સરકારી સિરિઝનો મોબાઇલ નંબર કેવી રીતે મળ્યો છે. તો બીજી તરફ કિરણે નામાંકિત લોકોને ફસાવ્યાનો ખુલાસો થયો છે. એવામાં ગુજરાતથી લઈને દિલ્લી સુધી ગરમાઈ છે.
પહેલા રાજ્યસભા, પછી વિધાનસભામાં ઠગબાજના કરતૂતોની ગૂંજ પહોંચી હતી. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં કિરણ પટેલનો મુદ્દો ઉઠાવ્યો અને સરકાર સામે વેધક સવાલો ઉઠાવ્યો હતો. તો અગાઉ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યસભામાં સવાલ ઉઠાવ્યા હતા. અને કિરણ પટેલની ઠગાઇ મુદ્દે ચર્ચાની માગ કરી હતી.