Gujarati Video: જસદણ નગરપાલિકાને હલકી ગુણવત્તાના કામ બદલ ફટકારાઈ શો કોઝ નોટિસ, રોડ-રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ

|

Feb 09, 2023 | 8:54 PM

Rajkot: રાજકોટ જિલ્લામાં આવેલ જસદણ નગરપાલિકાને કારણ નબળી ગુણવત્તાના કામો બાબતે કારણદર્શન નોટિસ ફટકારવામાં આવી છે. રોડ-રસ્તાના કામમાં નબળી ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાની પણ બુમરાણ ઉઠી હતી.

રાજકોટની જસદણ નગરપાલિકામાં અતિ હલકી ગુણવત્તાવાળા કામો થવા બાબતે કારણદર્શન નોટિસ ફટકારાઈ છે. છેલ્લા એક વર્ષમાં નવા બનેલા રોડ-રસ્તાની નબળી ગુણવત્તાને લઈ ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠી હતી. ભ્રષ્ટાચાર બાબતે જવાબદારોને રાજકોટ પ્રાદેશિક કમિશ્નર કચેરીના કાર્યપાલક ઈજનેરે કારણદર્શક નોટીસ ફટકારી હતી.

પ્રાદેશિક કમિશ્નર કચેરીના કાર્યપાલક ઈજનેરે નોટિસ પાઠવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સાથે કાર્યપાલક ઈજનેર તથા પ્રોજેક્ટ ઈજનેરે તમામ કામોની રૂબરૂ સ્થળ તપાસ કરતા તમામ કામો પ્રાથમિક દ્રષ્ટિએ નબળી ગુણવત્તાના હોવાનું નોટીસમાં જણાવ્યું છે. હાલ જસદણ નગરપાલિકામાં ચાલતા કામની રકમો ન ચુકવવા પણ આદેશ કરાયો છે. તો બીજી તરફ સ્થાનિકોએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલા લેવાય તેવી માગ કરી છે.

જસદણના સ્થાનિક ધીરુભાઈ છાયાણી જણાવે છે કે જસદણ નગરપાલિકામાં ડગલેને પગલે ભ્રષ્ટાચાર થાય છે. પાણી હોય કે રોડ રસ્તાના કામો હોય કે અન્ય કોઈ કામગીરી હોય મોટા ભ્રષ્ટાચાર થાય છે. નવા બનાવેલા રોડ માત્ર બે મહિનામાં ઉખડી જાય છે. તરગાળા શેરીનો રોડ હોય કે મેઈન રોડ સહિત મોટાભાગની શેરીઓના અંદરના તમામ રોડ તૂટી ગયા છે. આના પર તપાસ કમિટી બેસાડી ભ્રષ્ટાચાર આચરનારા લોકો સામે સજારૂપી પગલા લેવાની તેમણે  માગ કરી છે.

આ પણ વાંચો: Gujarati Video: રાજકોટમાં યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જોવા મળી દારૂની બોટલો

તો બીજી તરફ જસદણ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઇજનેરે નબળા રોડની કામગીરીને જે તે એજન્સી મારફતે ફરી સુધારવા હૈયા ધરણા આપી હતી. પરંતુ ભ્રષ્ટાચાર આચરેલા અધિકારી દંડાશે કે કેમ તે અંગે તપાસનું રટણ રટ્યું હતું.

Published On - 8:32 pm, Thu, 9 February 23

Next Video