Gujarati Video: રાજ્યમાં બેરોજગારીના ચોંકાવનારા આંકડા, કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગારો, જેમાં 2.70 લાખથી વધુ શિક્ષિત બેરોજગાર
Gandhinagar: રાજ્યમાં બેરોજગારીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમા કુલ 2 લાખ 83 હજાર, 140 બેરોજગારો, નોંધાયેલા છે. જે પૈકી 2 લાખ 70 હજાર, 922 શિક્ષિત બેરોજગારો છે. ગુજરાતમાં બેરોજગારી દર 2.2 ટકા છે.
ભારતનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં બેરોજગારી મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું. વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં બેરોજગારીના સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ સામે આવ્યા. જે બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું.
આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. તો 12 હજાર 218 અર્ધશિક્ષિત બેરોજગારો છે. સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી.
બીજી તરફ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે બેરોજગારી અંગે ગૃહમાં જવાબ આપ્યો. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં બેરોજગારી દર 2.2 ટકા છે. છેલ્લા 5 વર્ષમાં દોઢ લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી છે. તો ખાનગી નોકરીઓ માટે 1500થી વધુ બેરોજગારી મેળા પણ યોજવામાં આવ્યા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ચર્ચા દરમ્યાન સ્થાનિકોને રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઉદ્યોગો અને ખાનગી કંપનીઓ સ્થાનિકોને રોજગારી ન આપતી હોવાથી લોકો વિસ્થાપિત થાય છે. સ્થાનિકોને રોજગારી આપવાને બદલે બહારના રાજ્યોના લોકોને લાવવામાં આવે છે.
મલ્ટીનેશનલ કંપનીઓ સ્થાનિકો ગુજરાતીઓને નથી આપતી રોજગારી- અમિત ચાવડા
મલ્ટીનેશનલ કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી ના મળવા અંગે અમિત ચાવડાએ જણાવ્યુ કે ઉદ્યોગોને સસ્તા દરે જમીન વીજળી, પાણી અને સહાય આપી ગુજરાતમાં લાલ જાજમ બિછાવાય છે. જ્યારે રોજગાર આપવાની વાત આવે ત્યારે આ કંપનીઓ સ્થાનિકોને રોજગારી નથી આપતી. અદાણી પાવર લિમિટેડે કચ્છના એકમમાં સ્થાનિકોને રોજગારી નથી આપી.
આ સિવાયની અનેક મોટી કંપનીઓ સ્થાનિકોને રોજગારી નથી આપતી. વારંવાર રજૂઆતો છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું. 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના જીઆરનો સરકાર અમલ કરાવે તેમજ સ્થાનિક ગુજરાતીને 85 ટકા રોજગારી માટેનો કાયદો બનાવવા કોંગ્રેસની માંગ હોવાનુ અમિત ચાવડાએ જણાવ્યુ. વધુમાં તેમણે કહ્યુ કે સ્થાનિકોને રોજગારી આપવાનો સરકાર કાયદો લાવશે તો કોંગ્રેસ સમર્થન આપશે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- ગાંધીનગર