દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ સરહદે વિશાળ દરિયાકાંઠા સાથે સંકલાયેલો છે અને ખૂબ જ સંવેદનશીલ આ દરિયાકાંઠો માનવામાં આવે છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 24 ટાપુ મુદ્દે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તંત્રએ આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે સિવાયના અન્ય ટાપુ ઉપર અવર-જવર કરવા અંગે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ટાપુઓ ઉપર હવેથી તંત્રની પૂર્વ મંજૂરી વગર પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના 24 પૈકી 2 ટાપુ પર માનવ વસવાટ છે. જ્યારે બાકીના ટાપુ નિર્જન છે.
નિર્જન ટાપુઓ ઉપર આતંકવાદી જૂથ કે હથિયાર અને ડ્રગ્સના તસ્કરો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ આચરે તેવી આશંકા છે. અહીં આશ્રય લઈને આતંકવાદી સંગઠનો ભીડભાડવાળા સ્થળ, ધાર્મિક સ્થાન કે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ સ્થળોએ હુમલો કરી શકે છે. નોંધનીય છેકે અગાઉ પણ આ રીતે ટાપુ ઉપર જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેથી દરિયાકાંઠેથી થતી તેમજ નિર્જન વિસ્તારનો લાભ લઇને થતી શંકાસ્પદ પ્રવૃતિઓ અટકાવી શકાય.
દ્વારકાથી ઓખા જતા યાત્રાળુઓ માટે રાહતના સમાચાર છે કે કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો છે કે હવે દ્વારકાથી ઓખા સુધીનો આશરે 30 કીલોમીટરના માર્ગનું નવિનીકરણ કરવામાં આવશે અને આ બિસ્માર રસ્તાના સ્થાને નવો ફોર લેન હાઇવે બનશે.