સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાર્કિગની વ્યવસ્થા ન હોવાથી હજારો દર્દીઓના સગા પરેશાન થાય છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પાર્કિંગ ઝોનમાં નો પાર્કિંગના બોર્ડ લગાવી પાર્કિંગ કરવા પર પ્રતિબંધ લગાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના 9 જેટલા પાર્કિંગમાં ટુ-વ્હીલ તેમજ ફોરવ્હીલર પાર્કિંગ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં આવતા લોકોને ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરવા મજબૂર બન્યા છે. જેના કારણે દર્દીઓને ત્યાંથી સિવિલ હોસ્પિટલ સુધી ચાલીને આવું પડે છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની પૂરી વ્યવસ્થા હોવા છતાં શા માટે નો પાર્કિંગના બોર્ડ મારી પાર્કિંગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે ?
સિવિલ તંત્રની મનમાનીના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં રિક્ષા, કાર સહિતના વાહનો માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવી દેવાયા છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટે કહ્યું, ઇમરજન્સી વ્હિકલને લઇ આ નિર્ણય કરાયો છે. ટુંક સમયમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવીશું.