Gujarati Video : રાજકોટની શાળામાં શિક્ષકે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીને ‘આઈ લવ યુ’ બોલવાનું કહેતા થયો વિવાદ, આચાર્યનો દાવો કે સમજફેર થઈ છે
કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બુધવારે ગણિત વિષયના શિક્ષક ક્લાસમાં ભણાવી રહ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થિનીને ગણિતની એક સંજ્ઞા બોલવા માટે ઊભી કરી હતી અને તેને સંજ્ઞા બોલવા જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં સમયાંતરે કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવા, અડપલાં કરવા, માર મારવા સહિતના મુદ્દે વિવાદ થતા રહે છે. ત્યારે હવે રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અજીબ જ વિવાદ સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસમાં ગણિતના શિક્ષકે ‘આઈ લવ યુ’ બોલવાનું કહેતા વિવાદ થયો હતો. વિદ્યાર્થિનીએ તેમના વાલીને આ અંગે વાત કરતા વાલીએ ગણિત વિષયના શિક્ષક સામે કડક પગલાં લેવાની માગણી સાથે સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.
આ પણ વાંચો : VIDEO : ઝડપાયેલા દારૂના જથ્થાની હરાજી કરવી જોઈએ ! કોંગી નેતા લલિત વસોયાએ CMને પત્ર લખી આપી સલાહ
કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બુધવારે ગણિત વિષયના શિક્ષક ક્લાસમાં ભણાવી રહ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થિનીને ગણિતની એક સંજ્ઞા બોલવા માટે ઊભી કરી હતી અને તેને સંજ્ઞા બોલવા જણાવ્યું હતું. તે દરમિયાન શિક્ષકે આવા શબ્દ પ્રયોગ કરતા વિવાદ થયો. ક્લાસમાં જે વખતે આ ઘટના બની ત્યારના CCTV પણ સામે આવ્યા છે.
શાળાના આચાર્યએ વાલીના આક્ષેપને ફગાવ્યાં છે. શિક્ષકે અભ્યાસના હેતુથી આવા શબ્દપ્રયોગ કર્યાની આચાર્યએ સ્પષ્ટતા કરી છે. શિક્ષકના શબ્દપ્રયોગનું ખોટું અર્થઘટન કરાયુ હોવાનો આચાર્યનો દાવો છે. આચાર્યએ CCTV ફુટેજ સહિતની વિગતો જાહેર કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીને પણ આ અંગેનો ખુલાસો અપાયો છે.