Gujarati Video : રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, બે દિવસમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 5 લોકોના મોત
વરસાદરૂપી આફતથી રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. છેલ્લા 2 દિવસમાં તૂટી પડેલા વરસાદ અને મિની વાવાઝોડામાં 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 7 વ્યક્તિને ઈજા થઈ છે.
Gujarat Rain : ચોમાસા પહેલા વરસેલા વરસાદે રાજ્યભરમાં ભારે તારાજી સર્જી છે. વરસાદરૂપી આફતમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. છેલ્લા 2 દિવસમાં તૂટી પડેલા વરસાદ અને મિની વાવાઝોડામાં 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 7 વ્યક્તિને ઈજા થઈ છે. રવિવારની મધરાતે સંખેડા તાલુકામાં વીજળી પડતા બે લોકોનાં મોત થયા હતા.
આ પણ વાંચો : Ahmedabad : બ્રેઇનડેડ મુકેશ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું
પાલનપુરમાં દીવાલ તૂટી પડતા યુવકનું મોત થયુ હતુ. જ્યારે પતરુ વાગતા 7 લોકોને ઈજા થઈ હતી. બાબરામાં પણ વીજળી પડતા યુવાનનું મોત થયુ હતુ. અમદાવાદના વાડજમાં છાપરાવાળા મકાન પર વૃક્ષ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં 15થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
જાંબુઘોડા અભયારણ્યમાં ફસાયા પ્રવાસીઓ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થયા હતા. મોટાભાગના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. પંચમહાલ જિલ્લામાં 311 જેટલા વીજપોલને નુકસાન થયુ હતુ. જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા પ્રવાસીઓ પણ ફસાયા હતા. પાલનપુરમાં અસંખ્ય કાચા-પાકા મકાનોના પતરા ઉડ્યા હતા.
અહીં 38 પશુઓનાં મોત થયાના અહેવાલ મળ્યા છે. અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. કાલોલ, હાલોલ, ગોધરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ, વૃક્ષો અને મકાનોને ઘણું નુકસાન થયુ હતુ. જેઠ માસમાં અષાઢી માહોલ સર્જાતા ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયુ છે. ખાસ કરીને બાજરી, ડાંગર, કઠોળ, શાકભાજી, ફળાઉ-બાગાયતી પાક બગડી જવાની ભીતી છે.
આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો