વડોદરામાં કોંગ્રેસે મશાલ રેલી કાઢતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. મશાલ રેલીની મંજૂરી ન હોવાથી પોલીસે NSUIના કાર્યકરોની મશાલ રેલી અટકાવી હતી. યુથ કોંગ્રેસ અને NSUIએ લોકશાહી બચાવો સંદર્ભે રેલીની મંજૂરી માગી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરોએ મંજૂરી વિના મશાલ રેલી કાઢવાનું કહેતા કોંગ્રેસના કાર્યકરોએ હંગામો કર્યો હતો. પોલીસે મશાલો બુઝાવીને કાર્યકરોની અટકાયત કરી હતી.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ NSUIએ લોકશાહી બચાવો મશાલ યાત્રાનું આયોજન કર્યુ હતું અને આ આયોજનના ભાગરૂપે શહેર પોલીસ તંત્ર પાસે દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલયથી રાજમહેલ રોડ, શહીદ ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધીના મશાલ યાત્રાના રૂટ માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ શહેર પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પોલીસની મંજૂરી સાથે શાંતિપૂર્ણ મશાલી યાત્રાનું આયોજન કર્યું હતું.
પોલીસ તંત્ર દ્વારા મશાલ યાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ મશાલ યાત્રામાં એઆઈસીસીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ, કાઉન્સિલરો અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા, જહા દેસાઈ, હરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. દાંડિયા બજારથી નીકળેલી મશાલ યાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…