ગુજરાતના સુરતમાં લવ જેહાદને લગતો વધુ એક કિસ્સો વેસુ પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં સુરતમાં વેસુમાં રહેતા વસીમ અકરમે વાસુ તરીકે ઓળખ આપી પટેલ યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કર્યું. પોલીસે ચીટિંગ અને બળાત્કારનો ગુનો નોંધી વસીમ અકરમની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા વસીમ અકરમે વાસુ ગ્વાલડીયા તરીકે ઓળખ ઉભી કરી કંપનીમાં સાથે કામ કરતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીનું વખતોવખત જાતીય શોષણ કર્યું હતું. યુવતીને અસલિયત જાણ થઇ જતાં વસીમે તેણીને ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વેસુના રાજપૂત ફળિયામાં રહેતાં વસીમ અકરમ વાહીદ સનરાઇઝ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો.
વસીમ પોતાની ઓળખ વાસુ ગ્વાલડીયા તરીકે આપતો હતો. સહકર્મચારીઓ જ નહીં ધંધાકીય સંબંધોમાં પણ તે વાસુ તરીકે જ પોતાને રજુ કરતો હતો. વર્ષ 2022માં આ સનરાઇઝ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે એક યુવતી જોડાઇ હતી. આ યુવતી શુભ પ્રસંગોમાં મહેંદીના કોન્ટ્રાક્ટ લેતી હતી. બે ત્રણ ઇવેન્ટમાં આ ફરિયાદી યુવતી સાથે ભેટો થઇ ગયા બાદ વાસુએ તેની સાથે સંપર્કો વધારી દીધા હતાં. ઇવેન્ટનું કામ કરતી હોવાથી આ યુવતીને વાસુએ સનરાઇઝ સાથે પાર્ટનરશીપમાં કામ કરવાની ઓફર આપી હતી.
કંપનીનો સંચાલક વસીમ વાસુ ગ્વાલડીયા તરીકે એ યુવતી સાથે સંપર્કમાં રહ્યો અને પાર્ટનરશીપમાં કામ કરવા રાજી કરી હતી. ત્યારબાદ વસીમે એ યુવતી સાથેના ધંધાકીય સંબંધોને મિત્રતા અને પછી અંગત બનાવી દીધા હતાં. વસીમ કોઇને કોઇ કારણ ઊભું કરી આ યુવતીને મળવા જતો કે મળવા બોલાવતો હતો. જુદા જુદા શહેરોમાં ઇવેન્ટ રાખી તેમાં પણ મદદના બહાને તેણીને સાથે રાખતો હતો.આ રીતે વાસુએ યુવતીને પોતાની જાળમાં ફસાવી અને પછી જાતીય શોષણ કરવા માંડ્યું હતું. ધંધાકીય તથા વ્યક્તિગત સંબંધોના પ્રલોભનમાં ફસાવી તેણીને ભોગવતો રહ્યો હતો. તેણીને ભોળવી જુદી જુદી હોટેલ અને ફાર્મ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો હતો.
જો કે ફેબ્રુઆરી માસમાં યુવતીને વાસુની અસલિયત ખબર પડી ગઈ હતી. ઇવેન્ટ કંપનીમાં કામ કરતા અન્ય મુસ્લિમ યુવકો સાથે તેમની ઢબે વાત કરતા વાસુને જોઈ યુવતી ચોંકી હતી. ત્યારબાદ તેણીને તપાસ કરી તો વાસુ હકીકતમાં વસીમ અકરમ વાહીદ હોવાનું જાણવા મળતાં યુવતીના પગ તળેથી જાણે જમીન સરકી ગઇ હતી. પોતાની ઓળખ છુપાવી સંબંધ બાંધનારા વસીમ સાથે તેણીએ આ ફ્રોડ કહો કે દગા અંગે વાત કરી તો તે અકળાઈ ગયો હતો. તેણે યુવતીને ધમકાવવા માંડી હતી.
જો તેણીએ કોઈને વાત કરી તો તેને તથા પરિવારને જાનથી મારી નાખશે એવી ધમકી આપવા માંડી હતી.ઓળખ છુપાવી વિશ્વાસઘાત કરી, પ્રલોભનોમાં ફસાવી જાતીય શોષણ કરનારા વસીમ સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાસુ ઉર્ફે વસીમ અકરમ સામે ઇ.પી.કો. કલમ 406, 376(2)એન, 504, 506(2) મુજબ ગુનો નોંધ્યો હતો. ઇન્સ્પેક્ટર વાળાએ કેસની તપાસ હાથ ધરતાં વાસુ ઉર્ફે વસીમની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Gujarati Video : રાજકોટની ઉત્કર્ષ એક્સલન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, જુઓ Video
Published On - 5:29 pm, Sun, 12 March 23