વડોદરાના મેયરપદે નિલેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડીયા વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યપદે ચૂંટાતા તેમણે મેયરના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ હતું. કેયુર રોકડીયાના સ્થાને આજે નિલેશ રાઠોડની વડોદરાના મેયરપદે પસંદગી કરવામાં આવી છે. વડોદરામાં સંકલનની બેઠકમાં નિલેશ રાઠોડનું મેયર તરીકે નામ જાહેર કરવામાં આવ્યુ છે.
ભારે સસ્પેન્સ વચ્ચે વડોદરાને 29માં નવા મેયર મળી ગયા છે. ધારાસભ્ય બન્યા બાદ કેયુર રોકડિયાના રાજીનામા બાદ પાછલા 20 દિવસથી વડોદરા મનપાનું મેયર પદ ખાલી પડ્યું હતું અને નવા મેયર કોણ તે સવાલે ભારે ઉત્સુક્તા સર્જી હતી. ત્યારે સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે પાયાના કાર્યકર રહી ચૂકેલા અને વોર્ડ નંબર 17ના કોર્પોરેટર નિલેશ રાઠોડના નામ પર મેયર પદની પસંદગીનો કળશ ઢોળાયો છે.
માત્ર છ માસ માટે એટલે કે 20 સપ્ટેમ્બર સુધી જ નવા મેયરનો કાર્યકાળ રહેવાનો છે. નવા મેયરે ખૂબ જ ઓછા સમય માટે મેયર પદ માટેની જવાબદારી સંભાળવાની રહેશે. મેયર પદ માટે 5 વર્ષમાં બે ટર્મની વ્યવસ્થા છે. જેમાં પહેલી ટર્મ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે જ્યારે બીજી ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત છે.
Published On - 10:52 am, Fri, 10 March 23