Gujarati Video : ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી

|

Feb 18, 2023 | 5:37 PM

Junagadh News : ભવનાથ આવતા ભાવિકોની માન્યતા છે કે ભવનાથમાં આવી અનોખી ઉર્જા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના સાનિધ્યમાં આવી તમામ દુઃખ દર્દ દૂર થાય છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીના ભવ્ય મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાં હતા અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભવનાથ આવતા ભાવિકોની માન્યતા છે કે ભવનાથમાં આવી અનોખી ઉર્જા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના સાનિધ્યમાં આવી તમામ દુઃખ દર્દ દૂર થાય છે. તો બીજી તરફ નાના બાળકો પણ ભગવાન શિવનું રૂપ ધારણ કરી ભાવિકોને મનમોહક કરી રહ્યાં છે. મેળા દરમિયાન એક બાળ શિવ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દેશ-વિદેશથી ભક્તોનું આગમન

મેળાના અંતિમ દિવસે મહાશિવરાત્રીનાં પરંપરાગત રીતે સાધુ-સંતોની રવેડી યોજાશે. રાત્રે 8 વાગ્યે જૂના અખાડા ખાતેથી બેન્ડ વાજા, તથા સંગીતની સુરાવલીઓ સાથે સાધુ – સંતોની રવેડી યોજાશે. જેમાં અખાડાના આરાધ્ય દેવ તથા મહામંડલેશ્વરો પાલખીમાં સવાર થઈ રવેડીમાં જોડાશે.

આ રવેડી જૂના અખાડા ખાતેથી મંગલનાથબાપુ આશ્રમ પાસેથી દતચોક, તથા ઈન્દ્રભારતીબાપુ ગેટ સુધી જશે. ત્યાંથી આપાગીગા ઓટલાના અન્નક્ષેત્ર પાસે થઈ ભારતી આશ્રમ પાસે થઈ પરત ભવનાથ મંદિરે પહોંચશે. સાધુ-સંતોના અંગકસરતના દાવ, લાઠીદાવ, તલવાર બાજી રવેડીનું મુખ્ય આકર્ષણ રહેશે.

મહત્વનું છે કે, ગિરનારની તળેટીમાં પૌરાણિક ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવ ભારતભરના સાધુ સમાજના આરાધ્ય દેવ છે તેથી દરેક સંપ્રદાયના સાધુઓ વર્ષમાં એક વાર તો ભવનાથ મહાદેવને શિશ નમાવવા આવે જ છે. ત્યારે આ તીર્થભૂમિમાં દીક્ષાનું પણ વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન 24 સાધકો દીક્ષા લઇ સંસાર છોડી સન્યાસમાં જોડાયા છે અને હવે તેઓ સંન્યાસની ધૂણી ધખાવીને આગળનું જીવન વ્યતિત કરશે.

Next Video