Gujarati Video : માવઠાએ ખેડૂતોની આશા પર ફેરવ્યુ પાણી, બનાસકાંઠાના અનેક ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા પાયમાલ

|

Mar 20, 2023 | 9:32 AM

Banaskantha: જિલ્લાના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તૈયાર રવિપાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ઘઉં, એરંડો, રાયડો, જીરુ, સહિતનો પાક ધોવાઈ જતા ખેડૂતોની આંખોમાં પણ આંસુ આવી ગયા છે.

આશા અનેક હતી ખેડૂતોને. પરંતુ આ વખતે પણ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં પણ અનેક ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો પાયમાલ થયા છે. પાક તો તૈયાર હતા પરંતુ માવઠું આવતા તમામ પાકને નુકસાન થયું છે. ઘઉં હોય, રાયડો હોય, એરંડો હોય કે પછી જીરુ. તમામ પાક પાણી-પાણી થતા ખેડૂતોની આંખો પણ પાણી પાણી જ છે. બનાસકાંઠામાં ત્રણવાર કમોસમી વરસાદે તમામ પાકનો નાશ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાવા જેટલા પણ ઘઉં બચ્યા નથી. એટલે જગતનો તાત હવે સરકાર તરફ સહાયની રાહ જોઈને બેઠો છે.

છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો પર સંકટના જ વાદળ હતા. તેમા પણ ગઈકાલે દાંતીવાડા, ધાનેરા, ડીસા, પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામમાં વરસાદ વરસ્યો. આ વરસાદે જે માંડ માંડ બચેલો પાક હતો, તેનો પણ નાશ કરી નાખ્યો. મોટાપાયે ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું. તેનાથી આખુ વર્ષ જીવન નિર્વાહ કરવાની આશા હતી. પરંતુ માવઠાએ એવો ઘાત આપ્યો કે ધરતીપુત્રોનો એકમાત્ર સહારો પણ જાણે છીનવાયો છે.

આ પણ વાંચો: Gujarati Video: ઉપલેટાના લાઠ ગામમાં માવઠાને કારણે તૈયાર થઈ ગયેલા રવી પાકને થયુ વ્યાપક નુકસાન, ખેડૂતોની માઠી દશા

ખેડૂતો માટે એકમાત્ર આશા હવે સરકારની સહાયની છે. જેનાથી થોડી મદદ મળી રહે. પોતાના પાકને નજર સામે નાશ પામતો જોઈ અનેક ખેડૂતોની આંખમાં ઝળઝળિયા આવી ગયા હતા. મહામહેનતે, મોંઘાદાટ બિયારણો લાવી, કાળી મજૂરી કરી વાવેલો પાકનો સોથ બોલી જતા ખેડૂતો પણ ભાંગી પડ્યા હતા અને તેમની આંખો પણ અશ્રુઓથી ભરાઈ ગઈ હતી.

Next Video