Gujarati Video : કેતન ઈનામદારનું બરોડા ડેરીને અલ્ટીમેટમ, 20 ફેબ્રુઆરી સુધીમાં પશુપાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચીમકી

| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:47 PM

Vadodara: ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીમાં ચાલતા સગાવાદ અને ભ્રષ્ટાચારની તપાસ મુદ્દે બરોડા ડેરીને વધુ એક અલ્ટીમેટમ આપ્યુ છે. 20 ફેબ્રુઆરી સુધીમાં પશુપાલકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીને વધુ એક અલ્ટીમેટમ આપ્યુ છે. કેતન ઈનામદારે જણાવ્યુ છે કે સોમવારે બપોરે 12 વાગ્યા સુધી પશુપાલકોના પ્રશ્નોનું નિરાકારણ નહીં આવે તો લાખો પશુપાલકો બરોડા ડેરી સામે તૂટી પડશે. આ સાથે બરોડા ડેરીના શાસકો સામે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. કેતન ઇનામદારની આગેવાનીમાં વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ બરોડા ડેરી સામે આંદોલનના મંડાણ કર્યા છે.

ત્રિમંદિર ખાતે પશુપાલકોની રજૂઆત સાંભળવા આવેલા 5 ધારાસભ્યોનો બરોડા ડેરીના શાસકો સામે એકસૂર જોવા મળ્યો. કેતન ઇનામદારે ડેરીના સત્તાધીશોને ખુલ્લો પડકાર ફેક્યો અને ગંભીર આરોપો લગાવ્યા. તો વાઘોડીયાના અપક્ષ ધારાસભ્યએ પણ ડેરી સત્તાધીશો સામે વિરોધનું રણશીંગુ ફૂક્યું.

માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ હવે તો પશુપાલકોએ પણ ડેરીના સત્તાધીશો અને ડિરેક્ટરો સામે મોરચો માંડ્યો છે. ધારાસભ્યનું પીઠબળ મળતા પશુપાલકો હવે ખુલીને ડેરીના સત્તાધીશો સામે ગંભીર આરોપો લગાવી રહ્યા છે. પશુપાલકોનો સીધો આરોપ છે કે ડેરીના ડિરેક્ટરો તેમનું શોષણ કરે છે અને તમામ ડિરેક્ટરો ચોર છે.

આ પણ વાંચો: Gujarati Video: ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર બરોડા ડેરીના સંચાલકો સામે પડ્યા, સંચાલકો ડેરીને જાગીર સમજી બેઠા હોવાનો કર્યો આક્ષેપ

આમ બરોડા ડેરીના દૂધીયા રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ડેરીના શાસકો ચારે તરફથી ઘેરાયા છે. એક તરફ પશુપાલકો અને ધારાસભ્યો ગંભીર આરોપો લગાવી રહ્યા છે જ્યારે બીજી તરફ ડેરીના શાસકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આથી તેમનું ભેદી મૌન પણ અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. ત્યારે ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપનો વિવાદ હવે ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યુ.

Published on: Feb 17, 2023 05:45 PM