Gujarati Video: વલસાડના અબ્રામા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ઈયળ, સંચાલકો સામે કડક પગલા લેવા માગ

|

Mar 10, 2023 | 5:51 PM

Valsad: અબ્રામાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ભૂલકાઓને આપવામાં આવેલા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા શિક્ષણવિભાગે તેની ગંભીર નોંધ લઈ મધ્યાહન ભોજનના સંચાલકોને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

ફરી એકવાર  બાળકોને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે. ફરી એકવાર નાના-નાના બાળકોને જીવાતવાળુ ભોજન પીરસવાનો કિસ્સો સામે આવ્યો છે. વાત છે વલસાડના અબ્રામાની પ્રાથમિક શાળાની.જ્યાં ભૂલકાઓને પિરસાયેલા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા ચકચાર મચી છે.અગાઉ પણ આ જ શાળાના મધ્યાહન ભોજનમાં ઇયળ નીકળવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીવાર મધ્યાહન ભોજનમાં જીવજંતુ નીકળતા શિક્ષણ વિભાગે તેની ગંભીર નોંધ લીધી છે. જિલ્લા શિક્ષણ વિભાગે શાળાના આચાર્યના મધ્યમથી મધ્યાહન ભોજનના સંચાલકોને નોટિસ ફટકારી છે.

મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ

વારંવાર મધ્યાહન ભોજનમાં જીવજંતુ નીકળવાની ઘટનાને લઇને વાલીઓમાં રોષ ફેલાયો છે. અબ્રામા ગામના લોકોએ મધ્યાહન ભોજનના સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું રાધતા પહેલા અનાજની સફાઇ નથી કરવામાં આવતી. અનાજને જીવાતથી બચાવવા માટે કોઇ તકેદારી નથી રખાતી. શું મધ્યાહન ભોજનની યોજનામાં લોલમલોલ ચાલે છે.

આ પણ વાંચો: Tapi: મધ્યાહન ભોજનમાં ઇયળો નીકળતા વાલીઓનો હોબાળો, મામલતદારે મધ્યાહન ભોજન સંચાલિકાને ફટકારી નોટિસ

બાળકોને અપાતા ભોજનમાં ધનેડા અને માખી હોવાનો વીડિયો અને તસ્વીરો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. અહીં શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળામાં જ ભોજન બનાવી પીરસવામાં આવતુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યુ કે ભોજનમાં જીવાત હોવાની જાણ થતા જ મધ્યાહન ભોજનના સંચાલકને સૂચના આપી હતી. આ મામલે મામલતદારને પણ જાણ કરી હતી. આ મામલે વાલી દ્વારા પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Next Video