Gujarati Video: અમદાવાદમાં 50થી વધુ બ્રિજની ડિઝાઈનનું કામ કોઈપણ ટેન્ડર વગર ઈન્ફિનીઝી કન્સલ્ટન્ટને આપી દેવાતા ઉઠ્યા સવાલ
Ahmedabad: અમદાવાદમાં 100 કરોડના 4 અંડરપાસના કામ ટેન્ડર વગર આપી દીધા છે જેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે તો આ ઓછુ હોય તેમ માર્ગ મકાન વિભાગે 50થી વધુ બ્રિજની ડિઝાઈનનું કામ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ ઈન્ફિનીઝી કન્સલ્ટન્ટને આપી દીધા હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યમાં અનેક એવા બ્રિજ છે, તેની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે અને જેમ જેમ તપાસ થઈ રહી છે. તેમ તેમ સામે આવી રહ્યા છે કૌભાંડ. અમદાવાદ શહેરના 100 કરોડના 4 અંડરપાસના કામ ટેન્ડર વગર આપી દીધા. જેને લઈને ઉઠ્યા છે સવાલો. માત્ર 4 જ નહીં, પરંતુ માર્ગ અને મકાન વિભાગે 50થી વધુ બ્રિજની ડિઝાઈનનું કામ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ ઈન્ફિનીઝી કન્સલ્ટન્ટને આપી દીધા. એક જ વર્ષમાં 1 કરોડથી વધુ કન્સલ્ટન્સી ફીનું કામ પણ ઈન્ફિનીઝીને આપવામાં આપ્યું.
આ અંગેના રિપોર્ટ સામે આવતા એવો પણ ખુલાસો થયો છે કે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીની મૌખિક સૂચના પર જ ટેન્ડર વિના જ કોન્ટ્રાક્ટ આપી દેવાયો. એટલે સુધી કે વિજિલન્સ વિભાગની તપાસ પણ બહાર આવવા દેવામાં આવી નથી. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધારાધોરણોને નેવે મુકીને ટેન્કર પ્રક્રિયા વિના જ કામ સોંપાયું. રિપોર્ટમાં એ બાબતનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે માર્ગ અને મકાન વિભાગ આ કૌભાંડને છાવરવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય કે ઈન્ફિનીઝી કંપની પર માર્ગ અને મકાન વિભાગ મહેરબાન કેમ છે?
ઈન્ફિનીઝ કન્સલ્ટન્ટ કંપની પર કોના ચાર હાથ છે, તે મોટો સવાલ પણ ઉઠી રહ્યો છે. આટલા ફેરફાર, આટલો ખર્ચમાં વધારો. છતાં કેમ કોઈ કાર્યવાહી નહીં ? તે મોટા સવાલ છે. પાંચ વર્ષમાં માર્ગ અને મકાન વિભાગના સંદીપ વસાવાએ ટેન્ડર વિના બાંધકામ અને કન્સલ્ટન્સીના અનેક કામો બારોબાર આપી દીધાની વિગતો સામે આવી છે. શું સંદીપ વસાવાની રહેમ રાહે ચાલી રહી છે ગેરરીતિ? જેને લઈને એવી પણ આશંકા સેવાઈ રહી છે કે અધિકારીના નજીકના મિત્રો અને ભાગીદારોને કામ આપવા આવી રહી છે ગેરરીતિ? આ કેસમાં હવે સરકારની ઝીણવટપૂર્વકની તપાસની જરૂરિયાત છે. બની શકે કે, આવી વધુ ગેરરીતિઓ પણ બહાર આવી શકે છે.