રાજકોટમાં હવે અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ લાગે છે. શહેરમાં હુમલાના બનાવો તો હવે સામાન્ય બની ગયા છે. નાગરિકોની સાથે સાથે લોકોને ન્યાય અપાવનાર વકીલ પણ હવે રાજકોટમાં સુરક્ષિત નથી. સરકારી વકીલ મહેશ જોશી પર કોલેજવાડી 1માં આવેલા તેમના ઘર નજીક હિંસક હુમલો કરાયો છે. સરકારી વકીલે જાગૃત નાગરિકની ફરજ નિભાવતા કોર્પોરેશનના પ્લોટમાં થતા ગેરકાયદેસર કબ્જાનો વિરોધ કર્યો છે. આ બાબતે મનદુ:ખ રાખી અનીષ જુણેજા નામના શખ્સે સરકારી વકીલ મનીષ જોશી પર હિંસક હુમલો કર્યો છે.
રાજકોટમાં કોલેજવાડી વિસ્તારમાં રહેતા અને જિલ્લા સરકારી વકીલ તરીકે સેવા આપતા બાર એસો.ના કાયમી સભ્ય મહેશભાઈ જોશી ઉપર તેમના જ ઘર બહાર પથ્થરના ઘા ઝીંકી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતમાં મહેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મહેશભાઈની પુછપરછ માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.
આ પણ વાંચો: Gujarati Video: રાજકોટની શ્રીજી ગૌશાળાની અનોખી પરંપરા, વેલેન્ટાઈન નહીં ‘કાઉ હગ ડે’ની કરાઈ ઉજવણી
બીજી તરફ સરકારી વકીલ પર હુમલાની ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં વકીલો અને બાર કાઉન્સિલના સભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા વકીલોએ એકસૂરે સરકારી વકીલ પર હુમલાની ઘટનાને વખોડી કાઢી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરી છે. સાથી વકીલ પર હુમલાની ઘટનાથી આક્રોશિત વકીલોએ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.