જામનગરના કાલાવડના હરિપર ગામે ખેડૂતોના રસ્તા પર ગેરકાયદે દબાણ થયુ હોવાની ઘટના સામે આવી છે. ગામના 80થી વધારે ખેડૂતોનો ખેતરમાં જવાનો વર્ષો જૂનો રસ્તો માથાભારે શખ્સોએ બંધ કરી દીધો છે. આ સાથે માથાભારે શખ્સોએ સરકારી યોજનામાંથી બનેલા ચેકડેમનો પાળો પણ તોડી નાખ્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોએ આ મામલે અનેકવાર માથાભારે શખ્સોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. આખરે ગ્રામજનોએ એકઠા થઇ આ મામલે પંચાયત અને કાલાવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે હરિપર ગામે 80થી વધુ ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે. જેમા માથાભારે શખ્સોએ આ રસ્તા પર ગેરકાયદે દબાણ કર્યુ છે. રોડ પરથી એકદમ નજીકના રસ્તા પર દબાણ કર્યુ છે. માર્જિનવાળી જગ્યાએ દબાણ કરતા ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો સદંતર બંધ થયો છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતનો ચેકડેમનો પાળો પણ તોડી નાખ્યો છે તેમજ ગૌચરની જમીનમાંથી ખનન કર્યુ હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચો: Jamnagar : શેલ્ટર હોમ શોભાના ગાંઠિયા સમાન ! નિભાવ ખર્ચના અભાવે જામનગરનુ રેનબસેરા ખાલીખમ
આ તરફ કાલાવડ તાલુકાની નાકા બહારની જૂદી જૂદી સોસાયટીમાં તેમજ ગુલાબનગર સહિતના વિસ્તારોમાં 37 જેટલી વીજ ચેકિંગની ટુકડી ત્રાટકી હતી. જેને લઈને વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ વીજ ચેકિંગ ટુકડી દ્વારા મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેને લઈને વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.