Rajkot : પેપર લીક કેસમાં નવો વળાંક, એચ એન શુક્લ કોલેજના સંચાલકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સામે કર્યો બદનક્ષીનો દાવો
Rajkot News : યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવર્સિટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ પણ નોંધાવી હતી.
રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કેસમાં એચ એન શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારને નોટિસ ફટકારી છે. નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સામે બદનક્ષીનો દાવો કર્યો છે. કુલપતિ સમક્ષ 6 કરોડ અને કુલસચિવ સમક્ષ 5 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જાહેર માધ્યમોમાં માફી માગવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCOM પેપર લીક કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક તરફ ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવર્સિટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. બીજી તરફ એચ.એન.શુક્લ કૉલેજના સંચાલક અને કોર્પોરેટર નેહલ શુક્લએ કૉલેજ પરના તમામ આરોપો ફગાવી દીધા હતા.
બદનક્ષીની નોટિસ ફટકારાઇ
ત્યારે હવે સમગ્ર કેસમાં ખોટા આક્ષેપ કરવાના મામલામાં એચ.એન.શુક્લ કૉલેજના સંચાલક નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સામે બાંયો ચઢાવી છે અને તેમની સામે બદનક્ષીનો દાવો કર્યો છે. કુલપતિ સમક્ષ 6 કરોડ અને કુલસચિવ સમક્ષ 5 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જાહેર માધ્યમોમાં માફી માગવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નેહલ શુક્લ પર કયા આક્ષેપ લગાવાયા હતા ?
12 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA અને B.COMનું પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ લગાવાયો હતો કે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે. જોકે નેહલ શુક્લએ પોતાની કૉલેજમાંથી પેપર ન ફૂટ્યું હોવાનો દાવો કર્યો હતો અને તેમણે કહ્યું હતુ કે રાજકીય કિન્નાખોરી રાખીને આ આક્ષેપ લગાડવામાં આવ્યા છે.