કહેવત છે કે પાડાના વાંકે પખાલીને ડામ,આ કહેવત જૂનાગઢના નાગરિકો માટે એકદમ સાચી પડી છે. અહીં એક ખાનગી કંપનીના કામ માટે અનેક વિસ્તારોમાં વિવિધ ખાડા ખોદવામાં આવેલા છે. જૂનાગઢમાં એક ખાનગી કંપની દ્વારા ગેસ પાઇપ લાઇન ફિટિંગનું કામ ચાલી રહ્યું હોવાથી ખાડા ખોદવામાં આવ્યા છે.
બીજી તરફ તંત્ર દ્વારા ભૂર્ગભ ગટરના કામ માટે ખાડા ખોદવામાં આવેલા છે. આવા ખાડાઓ અંધારામાં ન દેખાતા રાજેશ નામનો યુવક તેમાં બાઇક સાથે પડ્યો હતો અને આ ઘટનામાં સારવાર દરમિયાન એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો.
જૂનાગઢમાં તંત્રના વાંકે એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ ખાનગી કંપની દ્વારા ગેસ પાઇપલાઇન ફીટીંગનું કામ ચાલતું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે. ત્યારે આ ખાડામાં એક યુવાન બાઇક સાથે ખાબકતાં તેનું મોત થયું છે. યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ ઘટના 25 ફેબ્રુઆરીએ બની હતી કે સરકારી કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં પરિવારનો યુવાન રાજેશ રાત્રિના સમયે આ ખાડામાં બાઇક સાથે પડ્યો હતો.
આ ઘટના અંગે રાજેશના પિતા જંયતિભાઈએ જણાવ્યું હતું કે આ અકસ્માતની જાણ થતા અમે તે ખાડા પાસે પહોંચ્યા હતા અને રાજેશને સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ત્યાંથી કહેવામાં આવ્યું કે યુવકને સારવાર માટે અમદાવાદ કે રાજકોટની મોટી હોસપિટલમાં લઈ જવામાં આવે. ડોક્ટરની આ સૂચના પ્રમાણે પરિવારજનો રાજેશને અમદાવાદ લઈ જવા માટે રવાના થયા હતા, પરંતુ અમદાવાદ પહોંચ્યા બાદ સારવાર દરમિાયન જ 27 ફેબ્રુઆરીએ જ યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં પરિવારજનોએ સરકાર અને જૂનાગઢ પાલિકાનેના તંત્રને જ પુત્રના મોતના જવાબદાર ગણાવ્યા હતા.