બનાસકાંઠાના ડીસામાં આસેડા પાસે દાંતીવાડા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. જેના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યુ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બનાસકાંઠામાં કેનાલમાં વારંવાર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વારંવાર ગાબડા પડતા કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જાય છે, જેના કારણે ઉભા પાકને નુકસાન થઈ રહ્યુ છે. વાવના ટડાવ ગામની સીમમાં કેનાલમાં ગાબડુ પડ્યુ છે, જેના કારણે આસપાસના ખેડૂતોની પરેશાની વધી છે.
આ તરફ ચોથા નેસડામાં આવેલી માઈનોર બે નંબરની કેનાલમાં પણ ગાબડુ પડ્યુ છે અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે રાયડો અને એરંડાના તૈયાર લહેરાતા પાકમાં કેનાલમાં પાણી ભરાઈ જતા પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. વારંવાર ગાબડા પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. ખેડૂતોનો સીધો આરોપ છે કે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવતી નથી, તેમજ ગાબડા પુરવામાં પણ નર્યો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આથી ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત, વળતરની રકમ નક્કી કરવાની ઉગ્ર માગ
આ અગાઉ હજુ બે દિવસ પહેલા જ 14 ફેબ્રુઆરીએ જિલ્લાના થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતુ.. કેનાલમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો, એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતા રોષ વ્યક્ત કર્યો છે કે, આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે. કેનાલની અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કારણે વારંવાર કેનાલમા ગાબડા પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.