Gujarati Video: અરવલ્લીમાં ફરી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો, કેનાલ ઓવરફ્લો થતા પાકમાં ફરી વળ્યા પાણી
Arvalli: અરવલ્લીમાં ફરી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બાયડના વાસણા મોટા ગામની કેનાલ ફરી ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે પાકને નુકસાન થવા પામ્યુ છે.
અરવલ્લીમાં ફરી એકવાર તંત્રની બેદરકારીએ ખેડૂતોને રડાવ્યા છે. વાત છે બાયડના વાસણા મોટા ગામની, જ્યાં વાત્રક જળાશયની ડાબાકાંઠાની કેનાલ વધુ પાણી છોડી દેતા છલકાઇ. કેનાલ છલકાતા પાણી ઉભા ખેતરમાં ફરી વળ્યું અને તમાકુ સહિત અન્ય પાકો પાણીમાં ગરકાવ થયા. આમ તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે અધિકારીઓ આ મુદ્દે ગંભીર બને તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
કેનાલની મરામત ન થતા ઓવરફ્લો થાય છે-ખેડૂત
આ કેનાલો ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે બનાવવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા આ કેનાલોની સફાઈ અને મરામત કરવાની જવાબદારી પણ સિંચાઈ વિભાગની જ છે. આ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોની મરામત ન કરાતા કેનાલ ઓવરફ્લો થાય છે અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળે છે.
ખેડૂતના તમાકુના પાકમાં ફરી વળ્યા કેનાલના પાણી
વાત્રક જળાશયની ડાબા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા વાસણા ગામના ખેડૂતને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતે બે વીઘા જમીનમાં તમાકુનું વાવેતર કર્યુ હતુ, તમાકુનો પાક પકવવા માટે ખેતરમાં ખૂબ મહેનત કરી મોંઘા ભાવનું ખાતર અને રાસાયણિક દવાઓ નાખી પાક તૈયાર કર્યો હતો. તેવામાં વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલ ઓવરફ્લો થઈ. આ કેનાલ તૂટેલી હાલતમાં હોવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.