Gujarati Video : ગોધરાના આંગડિયા ગામમાં બનેલો ચેકડેમ જર્જરિત થતા ખેડૂતોને હાલાકી, મરામતની માગ ઉઠતા સિંચાઇ વિભાગે સર્વે શરુ કર્યો

|

Mar 27, 2023 | 2:05 PM

Panchmahal News : હાલ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ ચેકડેમની મરામત કરવામાં આવે અથવા નવો ચેકડેમ બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.

પંચમહાલ જિલ્લાના આંગડિયા ગામમાં બનાવાયેલો ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં છે. જેના કારણે પાણીનો સંગ્રહ થતો નથી. જેના કારણે ગામના કુવા અને બોરમાં પાણી તળિયે જતા રહ્યા છે. જેથી હાલ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ ચેકડેમની મરામત કરવામાં આવે અથવા નવો ચેકડેમ બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં માગ ઉઠી છે. ત્યારે સ્થાનિકોની રજૂઆતના પગલે સિંચાઇ વિભાગે સર્વે શરુ કર્યો છે.

વોટરશેડ યોજના હેઠળ બનાવાયો હતો ચેકડેમ

ગોધરા તાલુકાના આંગડિયા ગામમાંથી મેશરી નદી પસાર થઈ રહી છે. આ નદી ઉપર વસવાટ કરતા અંદાજિત 3000 રહીશોના પીવાના પાણીના સ્ત્રોત જેવા કે કુવા બોર સહિત રિચાર્જ થાય અને સાથે જ ગામના પશુ પંખીઓને ઉનાળા દરમિયાન પીવાના પાણીની સુવિધા મળી રહે એ માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. વોટરશેડ યોજના હેઠળ હજારો રૂપિયાનો ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમનું મટીરીયલ્સ ગુણવત્તા સભર નહીં હોવાથી હાલ ચેકડેમ તૂટી જર્જરીત થઈ ગયો છે.

ખેડૂતો માટે આ ખુશી બની દિવાસ્વપ્ન

સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે આ ચેકડેમ અહીં બનાવવામાં આવ્યો હતો દરમિયાન પ્રારંભિક તબક્કામાં અહીં ચેકડેમમાં પાટીયા ગોઠવવામાં આવતા હતા. જેથી ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો અહીં સંગ્રહ થતો હતો. જેથી અહીંના ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા હતા, પરંતુ સમય જતા ખેડૂતોની આ ખુશી જાણે દિવાસ્વપ્ન બની ગઈ છે.

ચેકડેમની મરામત કરાવવાની ખેડૂતોમાં ઉઠી માગ

ચેકડેમની બનાવટમાં પાયામાં પથ્થરો પૂરી દેવામાં આવ્યા હતા. જે પથ્થરોમાં હવે પોલાણ સર્જાતા ધીરે ધીરે ચેકડેમ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. જેથી અહીંયા હવે પાણીનો સંગ્રહ થતો નથી. ત્યારે ગ્રામજનોમાં હવે આ ચેકડેમની મરામત કરવામાં આવે અથવા નવીન ચેકડેમ બનાવી આપવામાં આવે એવી માગણી ઉઠી છે. જે પછી સિંચાઇ વિભાગે સર્વે શરુ કર્યો છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહીં આજુબાજુમાં આવેલા તમામ કુવા અને બોરના પાણીનું સ્તર તળિયે જતું રહ્યું છે. જેથી ચોમાસા સિવાયની અન્ય ખેતી થઈ શકતી નથી. સાથે જ પશુપાલનને પણ પીવાના પાણી માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Video