હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે. કમોસમી વરસાદની આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસી ખુલ્લામાં પડેલી જોવા મળી રહી છે. ધોરાજી માર્કેટયાર્ડના શેડમાં જણસી રાખવાની જગ્યા ન હોવાથી ખેડૂતો જણસી ખુલ્લામાં રાખવા મજબૂર બન્યા છે. ખેડૂતોનો આરોપ છે કે અત્યારે માર્કેટમાં રવિ પાકની મબલક આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોની જણસી રાખવા માટે માર્કેટમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
જેના કારણે ખેડૂતો ખુલ્લામાં જણસી રાખવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં આ અંગે ખેડૂતોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો માવઠું થાય તો લાખો રૂપિયાનો તૈયાર પાક પલળી જાય તેવી સ્થિતિ છે.
હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે તેના પગલે વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા સતર્કતા દાખવતા ખેડૂતોને તેમના પાક ખુલ્લામાં ન રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી છે. જ્યાં 5 ડિગ્રી કરતા વધુ પારો ઉપર જઈ શકે છે તો અન્ય વિસ્તારોમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગે 13 અને 14 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવેટ થતાં માવઠાની શક્યતા છે. આમ આગામી સપ્તાહ રાજ્યના નાગરિકો માટે બેવડી ઋતુનો અનુભવ કરાવનારૂ હશે તેમાં કોઈ બેમત નથી.
Published On - 7:10 pm, Sun, 12 March 23