સુરતમાં સરકારી કામોમાં ચાલી રહેલી વધુ એક લોલમલોલનો પર્દાફાશ થયો છે. શહેરના લસકાણા વિસ્તારમાં આકાર લઇ રહેલા ખાડી ઓવરબ્રિજનો મોટો હિસ્સો 6 એપ્રિલના રોજ ધરાશાયી થયો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ ધરાશાયી થયેલા બ્રિજ દુર્ઘટના બાદ રહીશોએ તંત્રને જાણ કરી હતી. સદનસીબે રાત્રીનો સમય હોવાથી કોઇ જાનહાની કે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી ન હતી. પરંતુ બ્રિજ દુર્ઘટનાને SUDAના ચેરમેનથી છૂપાવવામાં આવી. મીડિયાને પણ SUDA તંત્રએ અંધારામાં રાખ્યું. SUDAના અધિકારીઓની આ હરકત શંકા સાથે સવાલોને જન્મ આપનારી છે.
અહીના સ્થાનિક અંકિતા પટેલના જણાવ્યા મુજબ રાત્રે 12 વાગ્યા આસપાસ તેો સૂતા હતા તે સમયે અચાનક ધડાકાભેર અવાજ આવતા તે બધા બહાર દોડી ગયા હતા. બહાર જઈને જોયુ તો બ્રિજ ધરાશાયી થયેલો હતો. આ ઘટના બાદ તેમણે સવારે જ્યારે જોયુ તો ત્યાંથી બ્રિજનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાને અધિકારીઓ દ્વારા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લસકાણા અને ડાયમંડનગરને જોડતા આ બ્રિજનું કામ ચાલી રહ્યુ હતુ અને રાત્રિના સમયે અચાનક જ તૂટી પડ્યો હતો. છતા ઉપરી અધિકારીઓને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી ન હતી.
અહીં સવાલ એ સર્જાય છે કે બ્રિજ દુર્ઘટનાની જાણકારી SUDAના ચેરમેનને કેમ આપવામાં ન આવી ? કેમ SUDAના ચેરમેનથી આ ઘટના છૂપાવવામાં આવી ? કેમ મીડિયાને પણ SUDA તંત્રએ અંધારામાં રાખ્યું ? શું બ્રિજના કામમાં કોઇ મોટો ભ્રષ્ટાચાર તો નથી થયો છે ? SUDAના અધિકારીઓએ રાતોરાતો ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો. કેમ રાતો રાતો બ્રિજના કાટમાળને ઠેકાણે પાડી દેવાયો. ત્યારે જોવાનું એ રહે છે કે હવે આ મામલે SUDA ચેરમેન દોષિતો સામે કોઇ કાર્યવાહી કરે છે કે કેમ !
ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…