બનાસકાંઠાના (Banaskantha) વિવિધ વિસ્તારોમાં છાશવારે કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાઓ બને છે. જે કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે. આ અંગે રાજ્ય સરકારમાં થયેલી વારંવારની અરજી અને ફરિયાદોને જોતા તંત્ર હરકતમાં આવ્યું છે. કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાને કેન્દ્ર સરકારની જલ શક્તિ વિભાગે ગંભીરતાથી લીધી છે. જે અંતર્ગત જલશક્તિ વિભાગના અધિકારીઓ આગામી 30 તારીખે બનાસકાંઠા આવશે અને સિંચાઈના કામોની (Irrigation works) સમીક્ષા કરશે.
કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત પહેલા સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને 20 મે સુધી આ તમામ કામો પૂર્ણ કરી દેવાની તાકીદ હાથ ધરી છે. જિલ્લામાં સિંચાઈના કામોમાં ગેરરીતિઓને પગલે અને સુજલામ સુફલામમાં પણ ગેરરીતીઓને પગલે કેન્દ્ર સરકારના બે અધિકારીઓની ટીમ 30મે બનાસકાંઠાની મુલાકાતે આવશે અને સિંચાઈના કામોની સમીક્ષા કરશે. ત્રણ દિવસ સુધી વહીવટી તંત્રને સાથે રાખી અને કામોની સમીક્ષા કરાશે અને ત્યારબાદ આ ટીમ છે એ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે.
સુજલામ સુફલામ અને જલશક્તિ અભિયાન અંતર્ગત તળાવ અને ખેત તલાવડી ઊંડા કરવાનું કામ થઈ રહ્યું છે. જેથી પાણીનો સંગ્રહ થાય, પરંતુ આ તળાવ ઊંડા કરવાના અને ખેત તલાવડીના કામોમાં ગેરરીતિઓની રાવ ઉઠી છે. બીજી તરફ બનાસકાંઠાના 14 તાલુકામાં નલ સે જલ યોજના અમલી બની છે. છતાં અમુક ગામ એવા છે જ્યાં આ યોજના પહોંચી નથી અથવા પહોંચી છે તો યોગ્ય કામ નથી થયું. નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે.
નલ સે જલ અને સુજલામ સુફલામ યોજનામાં વહીવટી તંત્ર સિંચાઈ વિભાગનો બચાવ કરી રહી છે અને આંતરિક વિખવાદોના કારણે અથવા તો લોકોની ગેરસમજના કારણે આ યોજના તેમને નથી મળી તેવું બહાનું આગળ ધરાઈ રહ્યું છે. ત્યાં તંત્રનો દાવો છે કે લગભગ આ યોજના પૂર્ણ થઈ ગઈ છે અને તમામ લોકોને લાભ મળી ગયો છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો