આણંદ શહેરમાં ફરી એકવાર MGVCLની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. બળિયા કાકા રોડ પર ચાલુ વરસાદમાં રોડ વચ્ચે એક વીજ વાયર લટકી રહ્યો છે. રોડ પર લટકતો વીજ વાયર જોવા મળ્યો છે. આ ગંભીર બેદરકારીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે રસ્તા વચ્ચે ચાલુ વરસાદમાં એક વીજ વાયર લટકી રહ્યો છે. અને તેમાંથી વીજ પ્રવાહ પણ પ્રસાર થઇ રહ્યો છે. એટલું જ નહીં આ વાયરની બાજુમાંથી લોકો પણ પ્રસાર થઇ રહ્યાં છે.
રોડ વચ્ચે જીવતો વાયર વાહનચાલકો, લોકો કે રાહદારીનો જીવ લઇ શકે છે. તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે MGVCLને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ સવાલ એ છે કે જો વાયરથી કોઇને કરંટ લાગ્યો હોત તો તેનું જવાબદાર કોણ, કેમ MGVCLવારંવાર આવી બેદરકારી દાખવી રહી છે.
આ અગાઉ વડોદરાના પાદરામાં તાલુકા પંચાયત કચેરી પાસે લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં વીજળીનો થાંભલો પડ્યો હતો. રહેણાંક અને ભરચક વિસ્તારમાં દૂર્ઘટના બની હતી. જર્જરિત વીજ થાંભલો પડતા સોસાયટીમાં પાર્ક કરેલી કારને નુકશાન થયુ હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ થાંભલાને હટાવવા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી, જો કે MGVCL દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મહત્વનું છે કે પાદરા શહેરમાં આવા જર્જરિત અનેક થાંભલાઓ છે. જેમને તંત્ર તાકિદે હટાવે તેવી સ્થાનિકોની માગ છે.