Ahmedabad: શું તમે માની શકો કે મચ્છર મારવામાં પણ બોમ્બ વપરાય. બોમ્બ ફેંકો અને મચ્છર ભગાવો. મચ્છરના ઉપદ્રવને અટકાવવા અનેક પ્રયાસ કરી ચૂકેલી અમદાવાદ કોર્પોરેશને હવે આ કિમિયો અપનાવ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છર અને મચ્છરના લારવાનો ખાતમો બોલાવવા કોર્પોરેશન કરશે બોમ્બનો ઉપયોગ. મકાનના ધાબા પર ભરાતા પાણીમાં મચ્છરના લારવાનો નાશ કરવા આરોગ્ય વિભાગ બોમ્બ ફેંકશે. જ્યાં આરોગ્ય વિભાગના કર્મચારી પહોંચી ન શકે તેવા સ્થળે બોમ્બથી પ્રહાર કરી મચ્છરનો ખાતમો બોલાવાશે.
વરસાદી સિઝનમાં વકરેલા મચ્છરજન્ય રોગચાળાને નાથવા કોર્પોરેશને એક્શન પ્લાન બનાવ્યો છે. મચ્છરના લારવાનો નાશ કરવા આરોગ્ય વિભાગે મોસ્કીટો લાર્વીસાઈડલ ઓઇલનો ઉપયોગ કરી સુતળી બોમ્બ તૈયાર કર્યા છે. આ બોમ્બ ટેરેસ પર ફેંકવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી શહેર અલગ અલગ વિસ્તારમાં ધાબા પર 1500થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યાં છે.
મચ્છર મારવાની અગરબતી અત્યાર સુધી જોઇ હતી, હવે બોમ્બ આવ્યો છે, ભવિષ્યમાં કદાચ રોકેટ પણ આવે તો નવાઇ નહીં. આરોગ્ય વિભાગે બનાવેલા ખાસ બોમ્બની વાત કરીએ તો મોસ્કીટો લાર્વીસાઈડલ ઓઇલનો ઉપગોય કરીને સૂતળી બોમ્બ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં કર્મચારી પહોંચી ન શકે એવા ઊંચાઈવાળા સ્થળે પાણી ભરાયેલા હોય ત્યાં આવા બોમ્બ ફેંકવામાં આવશે. આ બોમ્બ વિસ્ફોટ નહીં પણ પાણીમાં કેમિકલ ફેલાવશે. બોમ્બમાં રહેલું કેમિકલ ફેલાતા મચ્છરના લારવા વિકસતા અટકશે. એટલું જ નહીં અન્ય મચ્છરનો ઉપદ્રવ થતાં પણ અટકાવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો