મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું! 234 તાલુકા થયા ‘પાણી-પાણી’, 8 ઇંચથી વધુ પડેલા વરસાદે જનજીવન કર્યું ‘અસ્તવ્યસ્ત’ – જુઓ Video
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક વરસાદી રાઉન્ડ યથાવત છે, જેમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ધ્રાંગધ્રા અને ટંકારામાં 7-7 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. બસ આના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક વરસાદી રાઉન્ડ યથાવત છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ મુજબ, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 234 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેણે જનજીવનને પ્રભાવિત કર્યું છે અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
આંકડા મુજબ, સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મોરબીના ટંકારામાં પણ આશરે 7-7 ઇંચ વરસાદ વરસ્યો છે. હળવદ અને વઢવાણમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો છે. માળિયા, લખતર અને તિલકવાડામાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 13 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ, 22 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 66 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, ડેમોમાં જળસ્તર વધ્યું છે અને કેટલાક વિસ્તારોમાં બચાવ કામગીરી અને ટ્રાફિક અવરોધ જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
