Gujarat Video: વિધાનસભામાં ઉઠ્યો લવ મેરેજનો મુદ્દો, ભાજપના ધારાસભ્ય ફેતસિંહ ચૌહાણે લવ મરેજમાં માતા-પિતાની સંમતિને ફરજિયાત કરવાનું આપ્યું સુચન, કોંગ્રેસે પણ પૂરાવ્યો સૂર

|

Mar 17, 2023 | 9:47 AM

Gandhinagar: વિધાનસભામાં લવ મેરેજનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં ભાજપના પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે લવ મેરેજ કરનાર યુગલ માટે માતા-પિતાની સંમતિને ફરજિયાત કરવાનું સૂચન આપ્યુ છે. જેમાં કોંગ્રેસે પણ સૂર પૂરાવ્યો છે. ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યુ હતુ.

કહેવત છે કે મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાઝી. પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં લવ મેરેજમાં પણ માતા-પિતાની સહીનો મુદ્દો ગૂંજ્યો. પંચમહાલ જિલ્લાના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજીયાત બનાવવાની માગણી કરી. ફતેહસિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈને કોર્ટ મેરેજ કરે છે. આથી માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઇએ. આ મુદ્દે રાજ્ય સરકાર ઝડપથી કાયદો બનાવે તેવી પણ ધારાસભ્યએ માગણી કરી.

લવ મેરેજમાં માતાપિતાની સહી ફરજિયાત કરવાના ભાજપના ધારાસભ્યના સૂચનનું કોંગ્રેસે કર્યુ સમર્થન

લવ મેરેજમાં પણ માતા-પિતાની સહી મુદ્દે ભાજપના ધારાસભ્યની માંગમાં કોંગ્રેસના ધારાસભ્યએ પણ સૂર પુરાવ્યો. બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના કોંગી ધારાભ્યોએ તેને સમર્થન જાહેર કર્યું. ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જે લોકોને દીકરી મળતી નથી. તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. આથી તેને અટકાવવા લગ્નની નોંધણી તેમજ લગ્નવિધિ ગામમાં જ થવી જોઈએ અને લગ્નના સાક્ષી તરીકે જે પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવા જોઈએ.

આ પણ વાંચો: Gujarati Video: રાજ્યમાં બેરોજગારીના ચોંકાવનારા આંકડા, કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગારો, જેમાં 2.70 લાખથી વધુ શિક્ષિત બેરોજગાર

તો આ તરફ વિધાનસભામાં ગુજરાતમાં બેરોજગારી મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું. વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં બેરોજગારીના સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ સામે આવ્યા. આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે તો 12,218 અર્ધશિક્ષિત બેરોજગારો છે. સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી. જો કે સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ન હોવાનું સરકારે જણાવ્યું.

Next Video