વલસાડના વાપીના કરવડ વિસ્તારમાંથી 6 વર્ષની બાળકીનું અપહરણ થયુ હતુ. જેમા વલસાડ પોલીસે 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડી બાળકીને તેની ચુંગાલમાંથી છોડાવી હતી. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અગાઉ પણ આરોપી ચારથી પાંચ બાળકોનું અપહરણ કરી ચૂક્યો છે. અને તેના વતનમાં વેચી આવ્યો છે. જો કે આ બાળકીને ક્યાં વેચવાનો હતો તેવા સવાલમાં આરોપીએ જણાવ્યુ કે તેની બાળકીને વેચવાની કોઈ યોજના ન હતી. તે બાળકીને મોટી કરી તેની સાથે પરણવા માગતો હતો.
હાલ તો પોલીસે આરોપી રમેશ નેપાળીએ ઉત્તરપ્રદેશથી જે બાળકોના અપહરણ કર્યા હતા તેની તપાસ હાથ ધરી છે. વાપી પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી છે. રમેશ નેપાળીએ બાળકોને કોને વેચ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે આરોપી રમેશ નેપાળી કરવડ ખાતે મજૂરીનું કામ કરતો હતો. આ દરમિયાન તેમણે બાજુમાં જ રહેતી મજૂરી કરતાં પરિવારની 6 વર્ષની બાળકીને તેને લલચાવી અપહરણ કર્યું. જો કે, પોલીસે પણ આરોપી નેપાળ ગયો હોવાની આશંકાને લઈને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું હતું. આરોપી મહારાષ્ટ્રથી બાળકી સાથે ટ્રેનમાં તો બેસી ગયો, પરંતુ પોલીસે તેને નેપાળ પહોંચે તે પહેલા જ પકડી પાડ્યો હતો.