રાજકોટમાં વિજાપુર દૂધ મંડળીના મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. દૂધ મંડળીના મંત્રી ભ્રષ્ટાચાર આચરી રાજકોટ દૂધ મંડળીનું દૂધ બારોબાર વેચી મારે છે. દૂધ રાજકોટ પહોંચે તે પહેલા જ મંત્રી કેનમાંથી બારોબાર દૂધ કાઢી લેતા હોવાનો આક્ષેપ કરાયો છે. મંડળીના કેનમાંથી દૂધ કાઢી પાણી રેડતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા જોઈ શકાય છે કે પશુપાલકોનું દૂધ રાજકોટ પહોંચે તે પહેલા કેટલાક ભ્રષ્ટાચારી કેનમાંથી દૂધ કાઢી રહ્યા છે. બેડી હાડાના અને વાચકપર ગામની મંડળીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ છે.
ગામલોકો દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં ગામલોકોએ મંત્રી કેનમાંથી દૂધ કાઢી લઈ પાણી ઉમેરી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંત્રી દ્વારા આ દૂધ બારોબાર વેચી દઈ 20 થી 25 હજારનો ફાયદો મેળવતા હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે. આ સમગ્ર આરોપોને લઈને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસ શરૂ થઈ છે.
જો કે આ સમગ્ર મામલે TV9 દ્વારા ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાનો સંપર્ક કરવામાં આવ્યો. ચેરમેને TV9 સમક્ષ સ્વીકાર્યુ કે દૂધ મંડળીનો મંત્રી જ કેનમાંથી દૂધ કાઢી રહ્યા છે. જેમા ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરની તેમની સાથે મિલીભગત હતી. ચેરમેનના જણાવ્યા મુજબ સામે આવેલો વીડિયો 22 જૂનનો છે અને વીડિયો સામે આવ્યા બાદ તેમની મંડળીને બંધ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી આ મંડળીનો મંત્રી નહીં બદલાય ત્યાં સુધી આ મંડળીમાંથી દૂધ લેવામાં નહીં આવે. આ સાથે ડ્રાઈવરને પણ છૂટો કરી દેવામાં આવ્યો છે.
Input Credit- Ronak Majithiya- Rajkot