ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાને આજે NSUIના કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો. NSUIએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા NAAC ટીમની મુલાકાત દરમિયાન કેટલાક પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે પૈસા આપ્યા હતા, જે રકમ 10,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી આપ્યા હોવાનો આરોપ લગાવાયો છે. NSUIના કાર્યકરોનો દાવો છે કે આ નાણાં વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફીમાંથી આપવામાં આવ્યા છે, જેને તેઓ ‘બક્ષિસ’ તરીકે રજૂ કરી રહ્યા છે. આ રીતે વિદ્યાર્થીઓના હક્કના પૈસાનો દુરુપયોગ થયો છે અને તેનો હેતુ અસ્પષ્ટ છે. NSUIએ માંગણી કરી છે કે જે પ્રોફેસરોને આ રીતે રકમ આપવામાં આવી છે, તે નાણાં ફરીથી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે.
NSUIનું ઉગ્ર આંદોલન જોઈ ઘટનાસ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી અને NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી અને કુલપતિના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારવામાં આવી હતી. યુનિવર્સિટી તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.