ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ સારા સમાચાર ધરાવતી આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને લઈ ઉત્તર ગુજરાત અને દાહોદ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામશે, જે મુજબ અમદાવાદ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સુરત, ડાંગ, તાપી, નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 9 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે.
દાહોદમાં 12 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે સ્થાનિક તંત્રને પણ આગોતરા પગલા ભરવા માટે સાબદુ કરી દેવામાં આવ્યુ છે. જે પ્રકારે પાડોશી રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને નદીઓમાં પૂર આવ્યા છે, ત્યાર બાદ હવે ગુજરાતમાં પણ મેઘરાજા મનમુકીને વરસી શકે છે. મેઘસવારીના વધુ એક રાઉન્ડની આગાહીને પગલે ખેડૂતોને પણ રાહતની આશા જન્મી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.