Weather Update : ભર શિયાળામાં ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

|

Jan 28, 2023 | 4:19 PM

Weather Update : માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી અનુસાર એક થી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો આજે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આજે ભાવનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બોટાદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે.

અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલની આગાહી છે. 29 જાન્યુઆરીએ સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પૂર્વથી દક્ષિણ-પૂર્વ જતા પવનથી હળવા વરસાદની સંભાવના છે. કચ્છમાં એક દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

29 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા

માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે.

આગામી 24 કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે. જોકે આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. 29 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદ

મહત્વનું છે કે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.

Next Video