સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો ભરાયા, તાપીના ઉકાઇ ડેમની જળસપાટીમાં વધારો

|

Jul 16, 2022 | 10:50 AM

મહારાષ્ટ્રના હથનુંર અને પ્રકાશ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે તાપી (Tapi) જિલ્લાના ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમમાં 1 લાખ 13 હજાર 048 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.

ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદથી (Rain) સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શાળા-કોલેજ, ગાર્ડન, દુકાનો, ખેતરો તમામ સ્થળે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. તો બીજી તરફ રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના જળાશયો ભરાયા છે. તાપી જિલ્લાના (Tapi) ઉકાઇ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

ઉકાઇ ડેમની સપાટીમાં વધારો

મહારાષ્ટ્રના હથનુંર અને પ્રકાશ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે તાપી જિલ્લાના ઉકાઇ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ ડેમમાં 1 લાખ 13 હજાર 048 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. તો બીજી તરફ ડેમમાંથી 12,306 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્રના પ્રકાશ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. તો હથનુંર ડેમમાંથી 46 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે.

21 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા

બે દિવસ પહેલા રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત 30 જળાશયો 70 થી 100 ટકા, 27 જળાશયો 50 થી 70 ટકા, 51 જળાશયો 25 થી 50 ટકા અને 77 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના 46.25 ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના 48 ટકા ભરાયા છે.

Published On - 10:00 am, Sat, 16 July 22

Next Video