ગુજરાતમાં બટાકાનું હબ ગણાતા વિજાપુરમાં જાણે બટાકાની ખેતી પર ગ્રહણ લાગ્યુ હોય તેમ બટાટાના ભાવ ગગડી રહ્યા છે. જેના કારણ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ધરતીપુત્રો તનતોડ મહેનત કરીને બટાકાની ખેતી કરે છે. પરંતું બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતો પાયમાલીની કગાર પર ઉભા રહી ગયા છે. ગત વર્ષે બટાકાનો પ્રતિ મણનો ભાવ રૂ.350થી વધારે હતો. પરંતું આ વખતે પ્રતિ મણ બટાકાના ભાવ ગગડીને 100 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. ત્યારે તળિયે બેસેલા ભાવના કારણે ખેડૂતોની કમર તૂટી ઈ છે.. બિયારણ, ખેત મજૂરી, ખાતર સહિતના ખર્ચાઓના લીધે ખેડૂતોને એક વીઘે અંદાજે 20થી 25 હજાર રૂપિયાનું મસમોટું નુક્સાન થઈ રહ્યું છે. ત્યારે સરકાર સબસીડી અથવા ટેકાના ભાવે બટાકાની ખરીદીની જાહેરાત કરે તેવી ધરતીપુત્રો માગ કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવુ છે કે એકતરફ ખાતરના ભાવ વધ્યા છે, વજન ઓછુ ભરી રહ્યા છે. ગત વર્ષ કરતા ભાવમાં 100 રૂપિયાનો કડાકો બોલી જતા ખેડૂતોને પડતર ઉંચુ અને આવક ઘટી છે. જેના કારણે ખેડૂત પાયમાલ થવાના આરે આવી ગયો છે. ખેડૂતો સરકારને વિનંતિ કરી રહ્યા છે કે જો ખેડૂતોને જીવતા રાખવા હોય તો સબસિડી આપવાનું શરૂ કરે, જો આમ જ ચાલ્યુ તો આવતા વર્ષે બટાટા વાવી પણ નહીં શકે.
Input Credit- Manish Mistri- Mehsana
Published On - 2:25 pm, Mon, 9 March 26