યુવા મતદારોને આકર્ષવા માટે ભાજપે કમર કસી છે આજે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે છે.. અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યુવાનો સાથે તેમના સંવાદ કાર્યક્રમનું આયોજન છે. આ પહેલા તેમણે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા તેમની સાથે ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે- છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપની જીત પાછળ યુવા મતદાતાઓની તાકાત અને આશીર્વાદે મોટું યોગદાન આપ્યું છે આ વખતે પણ યુવા અને મહિલા મતદાતા પાર્ટીને આશીર્વાદ આપશે.
આ વખતે દરેક રાજકીય પક્ષ યુવાનોને આકર્ષવા માટે વ્યસ્ત છે કારણ કે રાજ્યમાં આ વખતે સૌથી વધુ યુવા મતદાતા નોંધાયા છે ત્યારે યુવાનોના વધુને વધુ વેટ શેર મળે તે માટે રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 3.23 લાખ યુવા મતદારો એવા છે જેઓ પહેલીવાર વોટ આપશે. આવા ફર્સ્ટ ટાઈમ વોટર માટે આખા રાજ્યમાં સમર્પિત મતદાનમથક બનશે. આ અંતર્ગત દરેક જિલ્લામાં એક મળીને કુલ 33 જિલ્લામાં આવા 33 યૂથ પોલ બૂથ બનાવવામાં આવશે. આવા મતદાન મથકોનું સંચાલન પણ સૌથી નાની ઉંમરના અને હાલમાં જ ભરતી કરાયેલા કર્મચારીઓ દ્વારા કરાશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.