ગુજરાત ચૂંટણી 2022: રાજકોટ કોંગ્રેસનો આક્ષેપ, પોલીસે 70 બુટલેગરોને બોલાવી ભાજપને મદદ કરવા દબાણ કર્યુ

|

Nov 30, 2022 | 10:02 PM

Gujarat Election 2022: રાજકોટ કોંગ્રેસે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે પોલીસે 70 જેટલા બુટલેગરોને બોલાવી ભાજપની તરફે મતદાન કરાવવા દબાણ કર્યુ છે. રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો કે પોલીસ સત્તાનો દુરુપયોગ કરે છે.

રાજકોટ કૉંગ્રેસે ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભાજપના કહેવાથી પોલીસ પોતાની સત્તાનો દુરપયોગ કરી રહી છે. ડૉ. હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યા હતા કે માલવિયાનગર પોલીસ મથકમાં 70 જેટલા બુટલેગરોને બોલાવીને ભાજપને મદદ કરવા માટે દબાણ કરવામાં આવે છે. જેના પગલે ભાજપ અને બુટલેગરના પરિવાર વચ્ચે ઝઘડો પણ થયો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

રાજકોટ કોંગ્રેસના નેતાઓના પોલીસ અને ભાજપ પર ગંભીર આક્ષેપ

સાથે જ કૉંગ્રેસના નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસનો કાફલો કૉંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવી રહી છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટ 68 વિધાનસભા બેઠક પર ઉદય કાનગડ પોલસને સાથે રાખીને લોકોને મત આપવા ધમકાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. કૉંગ્રેસના તમામ નેતા એકમંચ પર આવી ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

પોલીસ સત્તાનો દુરુપયોગ કરે છે- ડૉ. હેમાંગ વસાવડા

હેમાંગ વસાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યુ કે ગઈકાલે જૂદા જૂદા વિસ્તારોમાંથી દારૂ વેચતા અને બીજા અસામાજિક કામ કરતા તત્વોને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જેમની સંખ્યા 70 જેટલી હતી. તેમને પોલીસ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ કે ભાજપ તમને સાચવતી આવી છે, જો તમે મતદાનમાં માથાદીઠ જવાબદારી લઈને મતો નહીં નાખો તો આ વાત ચલાવી લેવામાં નહીં આવે. તમારી ખેર રહેશે નહીં.

હેમાંગ વસાવડાએ આક્ષેપ લગાવ્યો કે પોલીસ સત્તાનો દુરુપયોગ કરી રહી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બુટલેગર પરિવારે ગઈકાલે હોબાળો કર્યો હતો. વસાવડાએ આરોપ લગાવ્યો કે પોલીસ કમિશનર નિમ્ન કક્ષાની કામગીરી બંધ કરે, લોકશાહી પર્વમાં આ રીતે જીતી શકાય નહીં.

Next Video