કર્ણાટકમાં માર્ચના અંત સુધીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 3 દિવસના કર્ણાટક પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા તેએ પહોંચ્યા હતા. ત્યારે માર્ચના અંત સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થશે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 26 માર્ચે કર્ણાટકના પ્રવાસે જશે તેવી માહિતી સામે આવી છે.
ભાજપ માટે મિશન કર્ણાટક સૌથી મહત્વનું છે. કર્ણાટકમાં સરકાર બનાવી રાખવા માટે ખુદ PM મોદી પણ મેદાનમાં છે. અત્યાર સુધીમાં PM મોદી દ્વારા અનેક વાર કર્ણાટકના પ્રવાસ કરવામાં આવ્યા છે. અનેક સભા સંબોધવામાં આવી છે. જે પ્રમાણે ગુજરાતમાં વધુમાં વધુ બેઠક જીતવા માટે પુરુ જોર લગાવવામાં આવ્યુ હતુ. તે જ પ્રમાણેનું શક્તિપ્રદર્શન કર્ણાટકમાં પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યુ છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કર્ણાટકમાં જવાના છે.
CM ભૂપેન્દ્ર પટેલ 26 માર્ચે કર્ણાટક પ્રવાસે જશે. તેમનો આ એક દિવસીય પ્રવાસ છે. ત્યાં તેઓ અલગ અલગ ગુજરાતી સમાજ સાથે બેઠકો કરવાના છે. ગુજરાતી સમાજના આગેવાનો સાથે પણ તેઓ બેઠક કરવાના છે. સામાન્ય રીતે ચૂંટણીમાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી પક્ષના કેમ્પેઇનમાં જોડાતા હોય છે. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અન્ય રાજ્યમાં આ પ્રથમ પ્રવાસ છે. ભાજપનો ગઢ મજબૂત કરવા માટે CM ભૂપેન્દ્ર પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
Published On - 1:54 pm, Wed, 22 March 23