Rajkot : પુરવઠા તંત્રની ઘોર બેદરકારી, ગરીબોને વિતરણ કરવાનું અનાજ સડી ગયું, જુઓ Video

|

Jun 26, 2023 | 7:19 PM

રાજકોટમાં પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગરીબોને વિતરણ કરવાનું અનાજ સડી ગયું છે. દોઢ વર્ષથી જથ્થો ગોડાઉનમાં પડી રહ્યો હતો. સડી ગયું ત્યાં સુધી વિતરણ કેમ ન કરાયું તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.

Rajkot: જિલ્લા પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.જેમાં ગરીબોને વિતરણ કરવાનું અનાજ સડી ગયું ત્યાં સુધી વિતરણ ન થયું. પુરવઠા વિભાગે દોઢ વર્ષ પહેલાં બરોબાર વહેચી નાખવાનું કૌભાંડ થાય એ પહેલા જથ્થો પકડી પાડયો હતો અને તે રાજકોટમાં રેલવે સ્ટેશન નજીક આવેલા પુરવઠા વિભાગમાં રાખવામાં આવ્યો હતો.પરંતુ આ જથ્થો દોઢ વર્ષથી અહીંયા જ પડેલો છે અને આખરે સડી ગયો છતાં ગરીબ સુધી ન પહોંચ્યો.

ઘઉંનો રિપોર્ટ આવ્યો નેગેટિવ,172 ઘઉંના કટ્ટા અખાદ્ય

દોઢ વર્ષ પહેલાં પુરવઠા વિભાગની ટીમે રાજકોટ અને ઉપલેટામાંથી આશરે 33 લાખની કિંમતના રેશનિંગના ઘઉં અને ચોખા બારોબાર આરોપીઓ વહેંચે તે પહેલાં ઝડપી પાડયા હતા.ત્યારબાદ આ જથ્થાને સીઝ કરીને રાજકોટ અને ઉપલેટાના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા.તે પછી તત્કાલીન કલેકટરે આ જથ્થાને વિતરણ કરવાનો આદેશ આપ્યો હતો તેમછતાં આ જથ્થો વિતરણ ન કરાયો અને આખરે તે સડી ગયો.રાજકોટમાં ગોડાઉનમાં 172 કટ્ટા ઘઉં અને 452 કટ્ટા ચોખા રાખવામાં આવ્યા છે.આ જથ્થાનો રિપોર્ટ કરાવવામાં આવતા ઘઉંનો જથ્થો અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું જ્યારે ચોખાનો જથ્થો હજુ ખાવાલાયક હોવાથી તાત્કાલિક વિતરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

“કાયદેસર પ્રક્રિયા લાંબી હોવાથી વિતરણ ન થયું” – ગોડાઉન મેનેજર

આ મુદ્દે ગોડાઉન પર હાજર ગોડાઉન મેનેજરે tv9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઝડપાયેલો જથ્થો ફરીથી વિતરણ કરવાની પ્રક્રિયામાં વિલંબ થવામાં કારણે આ જથ્થો હજુ વિતરણ નથી થઈ શક્યો.પરંતુ સવાલ એ થાય છે કે એવી તો કેવી પ્રક્રિયા છે જે દોઢ વર્ષ ચાલે અને ગરીબો સુધી તે અનાજ ન પહોંચે અને સડી જાય.આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા મામલતદારનો સંપર્ક કરતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને હજુ સુધી આ બેદરકારી બદલ કોની જવાબદારી છે તે હજુ સ્પષ્ટ નથી થયું.જોવાનું એ રહેશે કે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાશે કે પછી તેમને છાવરી લેવાશે??

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 pm, Mon, 26 June 23

Next Video