હવે વીજળીનું બિલ આવશે ઓછુ, સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત, જુઓ Video
સુશાસન દિવસ નિમિત્તે, ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને રાહત આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી 1.75 કરોડ ગ્રાહકોને રૂ. 1120 કરોડનો લાભ થશે. માસિક 100 યુનિટ વપરાશ કરતા ગ્રાહકોને 50-60 રૂપિયાની બચત થશે.
‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે. જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી.
ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં 4૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે.
ઊર્જા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
તેમણે એમ કહ્યું કે, ઓકટોબર -2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2014-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.
વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ 50 થી 60/-ની માસિક બચત થશે તેમ તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.